News of Wednesday, 15th April 2026
ચીન અને ઈરાનની ગુપ્ત મિલીભગતનો પર્દાફાશ: અમેરિકાના બેઝ પર ચાઈનીઝ સેટેલાઇટથી રાખવામાં આવી બાજ નજર, TEE-01B સેટેલાઇટથી હુમલા પહેલા નિશાન તાક્યા
ફાઈનાન્શિયલ ટાઈમ્સનો ખુલાસો: ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે ચીની કંપની Earth Eye પાસેથી ખરીદ્યો સ્પાય સેટેલાઇટ, સાઉદી, જોર્ડન, બહેરીન અને અમેરિકી ઠેકાણાની તસવીરો લીધી, MizarVisionની AI ઈમેજરીથી ટાર્ગેટિંગમાં મદદ

વોશિંગ્ટન તા.૧૫ : ચીન અને ઈરાન વચ્ચેની ગુપ્ત મિલીભગતનો ખુલાસો થયો છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ ઈરાને ચીનનો સ્પાય સેટેલાઇટ ગુપ્ત રીતે મેળવીને અમેરિકાના મધ્ય પૂર્વના સૈન્ય ઠેકાણાઓ પર નજર રાખી હતી અને હુમલા પહેલા નિશાન તાક્યા હતા. લીક થયેલા ઈરાની સૈન્ય દસ્તાવેજોના આધારે આ માહિતી સામે આવી છે.
અહેવાલમાં જણાવાયું છે કે ચીની કંપની Earth Eye Co દ્વારા નિર્મિત TEE-01B સેટેલાઇટને 2024ના અંતમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની એરોસ્પેસ ફોર્સે ખરીદ્યો હતો. આ સેટેલાઇટ ચીનથી લોન્ચ કરવામાં આવ્યો હતો. સોદાના ભાગરૂપે IRGCને બેઇજિંગ સ્થિત Emposat કંપનીના કોમર્શિયલ ગ્રાઉન્ડ સ્ટેશનોનો એક્સેસ પણ મળ્યો હતો, જેનું નેટવર્ક એશિયા અને લેટિન અમેરિકા સુધી ફેલાયેલું છે.
ઈરાની સૈન્ય કમાન્ડરોએ આ સેટેલાઇટને અમેરિકાના મુખ્ય સૈન્ય ઠેકાણાઓ પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો હતો. સેટેલાઇટે 13, 14 અને 15 માર્ચે સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલ્તાન એર બેઝની તસવીરો લીધી હતી. 14 માર્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી હતી કે બેઝ પરના અમેરિકી વિમાનોને નિશાન બનાવાયા હતા. 27 માર્ચે ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલામાં 12 અમેરિકી સૈનિકો ઘાયલ થયા હતા અને અનેક KC-135 ટેન્કર તથા E-3G સેન્ટ્રી વિમાનોને નુકસાન થયું હતું.
સેટેલાઇટે જોર્ડનના મુવાફ્ફક સલ્તી એર બેઝ, બહેરીનમાં અમેરિકી પાંચમા ફ્લીટના નેવલ બેઝ નજીકના સ્થળો અને ઈરાકના એરબિલ એરપોર્ટની પણ તસવીરો લીધી હતી. IRGCએ આ વિસ્તારોમાં હુમલાની જવાબદારી લીધી હતી. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલે ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કર્યું તે પહેલા જ ચીની AI કંપની MizarVisionએ આ ઠેકાણાઓની વિગતવાર સેટેલાઇટ ઈમેજ ઓનલાઈન શેર કરી હતી.
MizarVisionની AI-આધારિત ઈમેજરીમાં અમેરિકી વિમાનો, પેટ્રિયટ અને THAAD મિસાઈલ સિસ્ટમ, ફ્યુઅલ ડિપો અને કમાન્ડ સેન્ટરોને એક મીટરથી પણ ઓછી ચોકસાઈથી ટેગ કરવામાં આવ્યા હતા. અમેરિકી ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીએ ચેતવણી આપી છે કે આ ટેકનોલોજીથી કિલ ચેઈન ટૂંકી થઈ ગઈ છે અને અમેરિકી સૈનિકો માટે જોખમ વધ્યું છે.
અમેરિકાના હાઉસ સિલેક્ટ કમિટી ઓન ચાઈનાના અધ્યક્ષ જ્હોન મૂલેનારે ચેતવણી આપી છે કે કોમર્શિયલ સેટેલાઇટ ઈમેજરી દુશ્મનો માટે ટાર્ગેટિંગ ડેટા બની રહી છે. રશિયાએ પણ ઈરાનને મદદ કરવા માટે 21થી 31 માર્ચ દરમિયાન મધ્ય પૂર્વના 11 દેશોમાં 46 ઠેકાણાઓના 24 સર્વે કર્યા હતા. આ ઠેકાણાઓ પર થોડા દિવસોમાં જ ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલા થયા હતા.
ચીને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું કે ચીન સૈન્ય સામગ્રીની નિકાસ અંગે હંમેશા સાવચેત અને જવાબદાર રહ્યું છે. જોકે ચીન ઈરાનનું સૌથી મોટું તેલ ખરીદનાર છે અને બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ છે.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
