<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

ચીન પર કુદરતનો બેવડો માર: એકસાથે બે વિનાશક વાવાઝોડાંનો કહેર, 900 ઝેરી સાપ ખુલ્લા ફરતા લોકોમાં ફફડાટ

લાખો લોકોનું સ્થળાંતર, 39 લોકોના મોત અને ડેમ તૂટવાની ઘટનાઓથી હાહાકાર: તાઈવાન અને જાપાન બાદ હવે ચીન તરફ આગળ વધતું ટાયફૂન 'બાવી'

વેન્ઝોઉ : ચીન હાલમાં કુદરતી આફતોના એક એવા ચક્રવ્યૂહમાં ફસાયું છે કે જેણે દેશની કમર તોડી નાખી છે. એક તરફ વિનાશક ટાયફૂન 'માયસેક'ના ઘા હજુ રુઝાયા નથી, ત્યાં જ હવે બીજું શક્તિશાળી ટાયફૂન 'બાવી' ચીનના પૂર્વીય કિનારા તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ બેવડા વાવાઝોડાં અને તેને કારણે સર્જાયેલા પૂરને લીધે અત્યાર સુધીમાં 39 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ડઝનબંધ નદીઓ ભયજનક સપાટી વટાવી ગઈ છે.

પૂર વચ્ચે ભાગ્યા 900 ઝેરી સાપ!

આ કુદરતી આફતની વચ્ચે એક અત્યંત ડરામણી ઘટના હેંગઝોઉ શહેરમાંથી સામે આવી છે. ભારે પૂરને કારણે 6 જુલાઈના રોજ એક બ્રીડિંગ સેન્ટરમાંથી અંદાજે 900 જેટલા અત્યંત ઝેરી અને ખતરનાક સાપ ભાગી છૂટ્યા છે. પાણી ભરાવાને કારણે આ સાપ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે દહેશતનો માહોલ છે. તંત્ર દ્વારા આ સાપને પકડવા માટે યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ કરવામાં આવી છે.

યુદ્ધના ધોરણે સ્થળાંતર અને તબાહી

આગામી સમયમાં વાવાઝોડું ત્રાટકવાની પ્રબળ શક્યતાને જોતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. ઝેજિયાંગ પ્રાંતના વેન્ઝોઉ શહેરમાંથી અત્યાર સુધીમાં 8.87 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉત્તરીય ભાગોમાં પૂરના જોખમને કારણે અન્ય એક લાખથી વધુ લોકોને ઘર ખાલી કરવા મજબૂર થવું પડ્યું છે. બેઇજિંગના મિયુન જળાશયમાં પણ પાણીનું સ્તર વધતા વધારાનું પાણી છોડવામાં આવ્યું છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

એશિયાના અનેક દેશોમાં તબાહીના દ્રશ્યો

ટાયફૂન 'બાવી'નો રસ્તો વિનાશક રહ્યો છે. તાઈવાનમાં ઉદ્યોગ-ધંધા ઠપ્પ થઈ ગયા છે, 14,000 લોકોનું સ્થળાંતર થયું છે અને 1.70 લાખ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. તેવી જ રીતે, જાપાનના મિયાકો ક્ષેત્રમાં 18,000 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જ્યારે ફિલિપાઈન્સમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 18 પર પહોંચી ગયો છે. વૈજ્ઞાનિકો આ આત્યંતિક હવામાન માટે ગ્લોબલ વોર્મિંગ અને 'અલ નીનો'ની અસરોને જવાબદાર ઠેરવી રહ્યા છે, જેના કારણે પેસિફિક ક્ષેત્રમાં વાવાઝોડાં વધુ શક્તિશાળી બની રહ્યા છે.

(11:31 PM IST)