<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ડોનાલ્ડ ટ્રમ્પના આક્ષેપોથી ભડક્યું ચીન: ૨૦૨૦ની અમેરિકી ચૂંટણીમાં હસ્તક્ષેપના દાવાને ગણાવ્યો 'સંપૂર્ણ બકવાસ', બેઇજિંગે કહ્યું- 'અમેરિકા પોતાની ચૂંટણીમાં અમારું નામ ઘસડવાનું બંધ કરે'

રાષ્ટ્રપતિ શી જિનપિંગની પ્રસ્તાવિત અમેરિકા મુલાકાત પહેલાં બંને મહાસત્તાઓ વચ્ચે વાકયુદ્ધ તેજ; ચીનના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના આરોપોને પાયાવિહોણા અને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું

બીજિંગ : વિશ્વની બે સૌથી મોટી આર્થિક અને લશ્કરી મહાસત્તાઓ એવા અમેરિકા અને ચીન વચ્ચે ફરી એકવાર રાજદ્વારી ટકરાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં આપેલા એક ભાષણ બાદ ચીન સરકારે સખત શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ૨૦૨૦ની યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામો પર સવાલ ઉઠાવતા ચીન પર ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ચીને શુક્રવારે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને તેને "સંપૂર્ણપણે બનાવટી" (Fabricated) અને પાયાવિહોણા ગણાવ્યા છે.

બેઇજિંગે સ્પષ્ટ કર્યું છે કે તેને અમેરિકાની આંતરિક બાબતો કે ચૂંટણીઓમાં રસ નથી અને તેણે ક્યારેય પણ અમેરિકન લોકશાહીને પ્રભાવિત કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.

ટ્રમ્પના કયા નિવેદનથી ચીન લાલચોળ થયું?

ગુરુવારે રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે, ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણીનો રાગ આલાપતા દાવો કર્યો હતો કે તે સમયે ચીને ચૂંટણીમાં મોટા પાયે હસ્તક્ષેપ કર્યો હતો અને પ્રક્રિયાને પ્રભાવિત કરી હતી. ટ્રમ્પના આ સંબોધન બાદ બંને દેશોના સંબંધોમાં અચાનક તણાવ વધી ગયો છે.

ટ્રમ્પની આ ટિપ્પણીનો જડબાતોડ જવાબ આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને બેઇજિંગમાં આયોજિત દૈનિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "અમેરિકા દ્વારા ચીન પર લગાવવામાં આવેલા આ તમામ આરોપો માત્ર અને માત્ર ચીનની વૈશ્વિક છબીને ખરડાવવાના અને બદનામ કરવાના હેતુથી પ્રેરિત છે. અમે વોશિંગ્ટનને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈ પણ પુરાવા વિના ચીન સામે આવા ગંભીર આક્ષેપો કરવાનું તાત્કાલિક બંધ કરે."

રાષ્ટ્રપતિ શી જિનપિંગની અમેરિકા મુલાકાત પર સંકટના વાદળો?

આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના સત્તાવાર પ્રવાસે જવાના છે. જ્યારે પત્રકારોએ પ્રવક્તા લિન જિયાને પૂછ્યું કે, શું ટ્રમ્પના આ આકરા પ્રહારોની અસર શી જિનપિંગની યુએસ મુલાકાત પર પડી શકે છે? ત્યારે તેમણે કુનેહપૂર્વક જવાબ આપતા કહ્યું, "અમે અમેરિકી વહીવટીતંત્ર અને તેમના નેતાઓને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાની સ્થાનિક રાજનીતિ અને ચૂંટણીમાં ચીનના મુદ્દાને ન ઘસડે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બને તે માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવું એ વર્તમાન સમયની માંગ છે."

ઉલ્લેખનીય છે કે, મે મહિનાના મધ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પે બેઇજિંગની મુલાકાત લીધી હતી, જ્યાં તેમની અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મુલાકાત થઈ હતી. તે સમયે બંને દેશોએ પરસ્પર સંબંધો સુધારવા માટે એક નવું માળખું અપનાવવાની જાહેરાત કરી હતી. આ મુલાકાત બાદ જ ટ્રમ્પે શી જિનપિંગને સપ્ટેમ્બરમાં અમેરિકા આવવાનું સત્તાવાર આમંત્રણ આપ્યું હતું, જે ચીને સ્વીકારી લીધું હતું. પરંતુ હવે જિનપિંગની મુલાકાત પહેલાં જ ટ્રમ્પના આ આકરા તેવરે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે.

(6:44 PM IST)