<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

IT કંપનીના ડે-કેરમાં બાળકોને વોશિંગ મશીનમાં નાખ્‍યાઃ ટોઈલેટ જેટથી સ્‍પ્રે કર્યું

બેંગલુરુમાં હૃદય કંપાવનારી ઘટનાઃ માસૂમ બાળકો પર ક્રૂર અત્‍યાચારનો પર્દાફાશ : બાળકોને સજા રૂપે વોશિંગ મશીનમાં પૂરીને ચાલુ કરાતા અને બાથરૂમમાં બંધ કરી દેવા જેવા અમાનવીય કૃત્‍યો થતા હતા. CCTV ફૂટેજથી ખુલાસો થતા પોલીસે ડે-કેરની ૫ આયાની ધરપકડ

બેંગલુરુ,તા.૦૨: કર્ણાટકના બેંગલુરુ શહેરમાં એક અત્‍યંત ચોંકાવનારી અને માણસાઈને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. અહીં એક જાણીતી IT કંપનીના કેમ્‍પસમાં આવેલા શિશુ ગૃહ એટલે કે ડે-કેર સેન્‍ટરમાં માસૂમ બાળકો પર ક્રૂર અત્‍યાચાર ગુજારાતો હોવાનો ખુલાસો થયો છે. અહીં બાળકોને સજાના ભાગરૂપે વોશિંગ મશીનમાં પૂરીને ચાલુ કરવાની તેમજ બાથરૂમમાં બંધ કરી દેવા જેવી અમાનવીય હરકતો કરાતી હતી. આ મામલે પોલીસે ડે-કેરના ૫ આયા (Nanny-નેની)ની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

આ ઘટના બેંગલુરુના એક અગ્રણી IT પાર્ક સ્‍થિત ડે-કેર સેન્‍ટરમાં બની છે, જ્‍યાં નોકરી કરતા દંપતીઓ પોતાના નાના બાળકોને મૂકીને જતા હતા. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે શિશુ ગૃહનો સ્‍ટાફ રડતા કે તોફાન કરતા માસૂમ બાળકોને ચૂપ રાખવા માટે અત્‍યંત ભયાનક રીત અપનાવતો હતો. બાળકોને ડરાવવા માટે તેમને બંધ વોશિગ મશીનની અંદર મૂકીને ચાલુ કરાતું હતું. એટલું જ નહીં, ઘણીવાર તેમને અંધારા બાથરૂમમાં કલાકો સુધી પૂરી રખાતા હતા.

કેટલાક બાળકોના વર્તનમાં અચાનક આવેલા ફેરફાર અને તેમના શરીર પરના ઈજાના નિશાનો જોઈને વાલીઓને શંકા ગઈ હતી. જ્‍યારે વાલીઓએ ડે-કેર મેનેજમેન્‍ટ પાસે સીસીટીવી ફૂટેજની માંગણી કરી, ત્‍યારે આ સમગ્ર કાળી કરતૂત સામે આવી હતી. ફૂટેજમાં સ્‍ટાફ મેમ્‍બર્સ માસૂમ બાળકો સાથે નિર્દયતાથી વર્તતા અને તેમને હેરાન કરતા સ્‍પષ્ટ જોવા મળ્‍યા હતા.

આ ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્‍યો હતો. વાલીઓની ફરિયાદના આધારે સ્‍થાનિક પોલીસે ત્‍વરિત પગલાં ભરીને ડે-કેર સેન્‍ટરના ૫ જવાબદાર સ્‍ટાફ મેમ્‍બર્સ સામે જુવેનાઇલ જાસ્‍ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) એક્‍ટ અને અન્‍ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હાલ આ મામલે વધુ પુરાવા એકત્રિત કરી રહી છે અને કડક કાનૂની કાર્યવાહીની ખાતરી આપી છે

 

(9:59 AM IST)