<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

અમેરિકામાં વસતા ઈમિગ્રન્ટ્સના બાળકો પર લટકતી તલવાર: ટ્રમ્પ સરકારનો વિદેશી બાળકોને વહેલી તકે ડિપોર્ટ કરવાનો આક્રમક પ્લાન

ઈમિગ્રેશન કોર્ટમાં સુનાવણીની પ્રક્રિયા તેજ કરાઈ; 4 વર્ષના ભૂલકાઓને પણ ટૂંકા નોટિસ પિરિયડમાં કોર્ટમાં હાજર થવા આદેશ મળતા વકીલો અને વાલીઓમાં ફફડાટ

વોશિંગ્ટન, તા. 29: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈમિગ્રેશન ક્ષેત્રે વધુ એક કડક અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. હવે યુએસ કસ્ટડીમાં રહેલા ઈમિગ્રન્ટ બાળકોના કેસોનો નિકાલ લાવવા માટે ઈમિગ્રેશન કોર્ટોએ સુનાવણીની પ્રક્રિયા અત્યંત ઝડપી (Fast-track) બનાવી દીધી છે. જે કેસોની સુનાવણી મહિનાઓ કે વર્ષો પછી થવાની હતી, તેને હવે ગણતરીના દિવસોમાં જ શેડ્યૂલ કરવામાં આવી રહ્યા છે. આનો સીધો અર્થ એ છે કે આ બાળકોને વહેલી તકે તેમના વતન પાછા મોકલવાની એટલે કે ડિપોર્ટ કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
વહીવટીતંત્રના આ નિર્ણયથી માનવ અધિકારવાદીઓ અને વકીલોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અહેવાલો મુજબ, માત્ર 4 વર્ષની વયના બાળકોએ પણ ટૂંકા ગાળામાં અનેકવાર કોર્ટમાં હાજર થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણીવાર આ બાળકો પાસે પોતાનો પક્ષ રજૂ કરવા માટે કોઈ વકીલ પણ હોતા નથી. કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે, આટલી ઝડપી પ્રક્રિયાને કારણે બાળકોને કાયદાકીય રાહત મેળવવામાં મુશ્કેલી પડશે અને ભૂલથી પણ તેમને જોખમી સંજોગોમાં પાછા મોકલી દેવાની શક્યતા વધી જશે.
વ્હાઇટ હાઉસ અને ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસનું કહેવું છે કે, આ પગલાનો હેતુ બાળકોને માનવ તસ્કરી (Trafficking) અને શોષણથી બચાવવાનો છે. સરકારના મતે, કાર્ટેલ અને ગુનાહિત નેટવર્કો બાળકોને જોખમી રીતે સરહદ પાર લાવે છે, તેથી કેસોનો ઝડપી નિકાલ કરવાથી આ નેટવર્કને તોડી શકાશે અને બાળકોને સુરક્ષિત વાતાવરણમાં તેમના પરિવાર પાસે મોકલી શકાશે. આ ઉપરાંત, આ પ્રક્રિયાથી ટેક્સપેયર્સના નાણાંની પણ બચત થશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
જોકે, બાળકો માટે કામ કરતા વકીલો આ તર્ક સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે જે બાળકો ટ્રોમા (માનસિક આઘાત) માંથી પસાર થયા હોય, તેમને વકીલો પર ભરોસો બેસતા અને પોતાની આપવીતી જણાવતા સમય લાગે છે. સમયના અભાવે તેમની યોગ્ય કાયદાકીય તૈયારી થઈ શકતી નથી. હાલમાં અમેરિકામાં વસતા લાખો ઈમિગ્રન્ટ પરિવારો, જેમાં ઘણા ભારતીયો પણ સામેલ છે, તેઓ આ નવી નીતિને કારણે ચિંતામાં મુકાયા છે. આગામી દિવસોમાં આ મામલે કાયદાકીય લડાઈ વધુ ઉગ્ર બને તેવા સંકેતો મળી રહ્યા છે.

(4:23 PM IST)