તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
બાળપણની યાદો જીવંત થઈ: ભારતીય યુવકે જાપાનમાં શોધી કાઢ્યું ડોરેમોન અને નોબિતાનું 'અસલી' શહેર, દ્રશ્યો જોઈ ચાહકોની આંખો છલકાઈ!
૬૦૦૦ કિમીનો પ્રવાસ કરી સાર્થક સચદેવાએ શોધ્યું કાર્ટૂન જેવું જ લોકેશન; સાંકડી ગલીઓ અને નોબિતાના ઘર જેવી જ દુનિયા જોઈ ઈન્ટરનેટ પર લોકો ભાવુક

ટોક્યો (જાપાન) | તા.૧૧: આપણે સૌ જ્યારે નાના હતા ત્યારે શાળાએથી આવીને ટીવી સામે ગોઠવાઈ જતા અને 'ડોરેમોન'ની કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જતા. નોબિતાનું એ ઘર, એની એ શાળાએ જવાની ગલીઓ અને એનું મેદાન - આ બધું જ આપણે માત્ર એનિમેશનમાં જોયું હતું. પરંતુ, તાજેતરમાં એક ભારતીય કન્ટેન્ટ ક્રિએટર સાર્થક સચદેવાએ આ કાલ્પનિક દુનિયાને હકીકતમાં શોધી કાઢી છે. તેણે જાપાનમાં બિલકુલ ડોરેમોન અને નોબિતાના શહેર જેવી જ દેખાતી જગ્યા શોધીને લાખો લોકોના બાળપણની યાદોને ફરી તાજી કરી દીધી છે.
સાર્થક સચદેવાએ ભારતથી જાપાન સુધીની અંદાજે ૬,૦૦૦ કિલોમીટરની લાંબી અને સાહસિક મુસાફરી માત્ર આ એક જગ્યાને શોધવા માટે કરી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલા વીડિયોમાં તે જાપાનના એક શાંત અને સુંદર રહેણાંક વિસ્તારમાં ફરતો જોવા મળે છે. સાર્થક જણાવે છે કે આ એ જ શેરીઓ અને એ જ વાતાવરણ છે જે આપણે વર્ષોથી કાર્ટૂનમાં જોતા આવ્યા છીએ.
જાણે કાર્ટૂનમાંથી બહાર નીકળીને વાસ્તવિક દુનિયામાં આવ્યા હોય તેવા દ્રશ્યો
વાયરલ થયેલા આ વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો આબેહૂબ ડોરેમોન શોની યાદ અપાવે છે. એ જ સાંકડી ગલીઓ, સ્વચ્છ રસ્તાઓ અને લાકડાના સુંદર ઘરો જોઈને એવું લાગે છે કે હમણાં જ નોબિતા રડતો-રડતો ખૂણામાંથી બહાર આવશે અને ડોરેમોન પાસે ગેજેટ માંગશે. સાર્થકે વીડિયોમાં એ રસ્તો પણ બતાવ્યો છે જે બિલકુલ નોબિતાના શાળાએ જવાના રસ્તા જેવો જ દેખાય છે. આ વિસ્તારની શાંતિ અને ચોકસાઈ જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
તાકાઓકા શહેર અને ફુજીકો એફ. ફુજીઓનો પ્રભાવ
જોકે ડોરેમોનની વાર્તા મુખ્યત્વે ટોક્યોના નેરિમા વોર્ડમાં સેટ કરવામાં આવી છે, પરંતુ આ કાર્ટૂનના સર્જક ફુજીકો એફ. ફુજીઓનું વતન 'તાકાઓકા' છે. સાર્થકે જે લોકેશન શોધ્યું છે તે આ સર્જકની કલ્પના અને જાપાનની વાસ્તવિક જીવનશૈલીનું મિશ્રણ છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર 'હિડન સ્પોટ' તરીકે વાયરલ થઈ રહ્યો છે અને લાખો લોકો તેને લાઈક કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર લોકોની ભાવુક પ્રતિક્રિયા
આ વીડિયો જોયા બાદ નેટીઝન્સ પોતાની લાગણીઓ રોકી શક્યા નહોતા. એક યુઝરે લખ્યું કે, "આ જોઈને ખરેખર રૂંવાડા ઉભા થઈ ગયા, મારું બાળપણ આંખો સામે તરી આવ્યું." જ્યારે અન્ય એકે લખ્યું કે, "સાર્થક, આ વીડિયો બતાવવા બદલ તારો આભાર, તે અમારા સોનેરી દિવસો યાદ કરાવી દીધા."
લોકો માટે આ માત્ર એક વીડિયો નથી, પણ એક એવી સફર છે જ્યાં તેમની બાળપણની માસૂમિયત અને યાદો જોડાયેલી છે. સાર્થકનો આ પ્રવાસ દર્શાવે છે કે ક્યારેક સપનાની દુનિયા પણ વાસ્તવિકતામાં અસ્તિત્વ ધરાવતી હોય છે, બસ તેને શોધવાની દ્રષ્ટિ જોઈએ.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
