તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
'કાયદાના સંઘર્ષમાં રહેલું બાળક' એ એક પરિસ્થિતિનું વર્ણન છે, કોઈની કાયમી ઓળખ નહીં: CJI સૂર્ય કાંત
બાળકોના નામ ઈન્ટરનેટ અને મીડિયાથી દૂર રાખવા ભારપૂર્વક અપીલ; ભૂતકાળને ભૂલી સુધારણા તરફ દોરી જવાનો ન્યાયતંત્રનો માનવીય અભિગમ

નવી દિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્ય કાંતે બાળ ન્યાય પ્રણાલી અંગે અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું છે કે 'કાયદાના સંઘર્ષમાં રહેલા બાળકો' ના નામ સમાચાર માધ્યમો અને ઇન્ટરનેટથી હંમેશાં દૂર રાખવા જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ શબ્દસમૂહ માત્ર એક ચોક્કસ મુશ્કેલ પરિસ્થિતિ દર્શાવે છે, તે બાળકની કાયમી સામાજિક ઓળખ નથી.
સુપ્રીમ કોર્ટની 'જુવેનાઈલ જસ્ટિસ કમિટી' દ્વારા યુનિસેફ (UNICEF) ના સહયોગથી "જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, ૨૦૧૫ ના ૧૦ વર્ષ" વિષય પર આયોજિત રાષ્ટ્રીય વાર્ષિક હિતધારક પરામર્શ બેઠકના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા CJI એ કાયદાકીય પ્રોટોકોલમાં ફેરફાર કરવા અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ૨૦૧૫ નો આ કાયદો એ માન્યતા પર આધારિત છે કે બાળકના માથા પર 'ગુનેગાર' નું કાયમી લેબલ મારવાના બદલે જો તેને સુધરવાની બીજી તક આપવામાં આવે, તો તે સમાજનો એક જવાબદાર અને ઉત્પાદક નાગરિક બની શકે છે.
મુખ્ય ન્યાયાધીશે બાળકોના જૂના કાયદાકીય રેકોર્ડ્સ સમયસર નષ્ટ કરવા પર ભાર મૂક્યો હતો જેથી તેમનો ભૂતકાળ તેમના ભવિષ્ય પર ક્યારેય પડછાયો ન પાડી શકે. તેમણે ઉમેર્યું કે સાચું પુનર્વસન માત્ર બાળ સંરક્ષણ ગૃહના દરવાજા સુધી સીમિત ન રહેવું જોઈએ, પરંતુ તેને કુટુંબ, શાળા અને સમાજમાં કોઈ પણ જાતના સામાજિક કલંક વિના પુનઃસ્થાપિત કરવું તે જ આ કાયદાનો મૂળ ઉદ્દેશ્ય છે. કાયદાના સંઘર્ષમાં આવતા બાળકોની પાછળ અપૂર્ણ શિક્ષણ, પારિવારિક તાણ અને ગરીબી જેવી વ્યથાઓ છુપાયેલી હોય છે, તેથી આપણો અભિગમ બદલાની ભાવનાનો નહીં પરંતુ સંપૂર્ણ સુધારણાનો હોવો જોઈએ.
આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બી.વી. નાગરત્નાએ પણ બેઠકને સંબોધિત કરી હતી. તેમણે ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટના આંકડા ટાંકીને દેશની 'જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ' માં પેન્ડિંગ કેસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કાયદાકીય પ્રક્રિયા ઝડપી હોવી જોઈએ અને જ્યારે કોઈ અજાણતા બાળક કાયદો તોડે છે, ત્યારે આપણી ન્યાય પ્રણાલી કે કાયદાએ તે માસૂમ બાળકને તોડી નાખવું ન જોઈએ, પરંતુ તેને સાચો માર્ગ બતાવવો જોઈએ.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
