<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીનો સણસણતો ધડાકો: "પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં UCC લાગુ થશે : બળજબરીથી ધર્માંતર કરનારાઓ સામે કડક કાયદો લવાશે"

2021 ના ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનર્જીએ પગની ઈજા અંગે નાટક રચ્યું હોવાનો મેડિકલ રિપોર્ટ સાથે ધડાકો કર્યો: ભાજપ કાર્યકરો સામેના ખોટા કેસોનો હિસાબ ચૂકવવાની ચીમકી આપી

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો લાવતા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રવિવારે નંદીગ્રામમાં એક વિશાળ પદયાત્રા દરમિયાન જાહેરાત કરી હતી કે ઉત્તરાખંડ અને ગુજરાત બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ આગામી ૬ મહિનાની અંદર સમાન નાગરિક સંહિતા (UCC) પૂર્ણપણે લાગુ કરી દેવામાં આવશે. આ સાથે જ તેમણે રાજ્યમાં ગેરકાયદે અને બળજબરીપૂર્વક કરાવવામાં આવતા ધર્મ પરિવર્તન સામે અત્યંત કડક કાયદો લાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. હિંદુ સંસ્કૃતિ અને આસ્થાના જતન માટે તેમણે જાહેરાત કરી હતી કે આવનારી ૧૭ નવેમ્બરે કોલકાતામાં ભવ્ય હનુમાન ચાલીસા પાઠ અને ૨૯ ડિસેમ્બરે ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહા ગીતા પાઠનું આયોજન કરવામાં આવશે.

નંદીગ્રામ પેટાચૂંટણીના પ્રચારના આખરી દિવસે ભાજપના ઉમેદવાર હસિરની રથ—જેઓ શહીદ ભાજપ નેતા ચંદ્રનાથ રથના માતા છે—તેમના સમર્થનમાં યોજાયેલી પદયાત્રામાં મુખ્યમંત્રીએ પૂર્વ ટીએમસી સરકાર પર કડાકાભેર પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે અગાઉની મમતા બેનર્જી સરકારે વિરોધ પક્ષના નેતાઓને દબાવવા માટે સીઆઈડી (CID) જેવી સરકારી તપાસ એજન્સીઓનો દુરુપયોગ કર્યો હતો. અધિકારીએ આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ૨૦૨૧ ની વિધાનસભા ચૂંટણી વખતે નંદીગ્રામમાં પોતાના પગમાં ઈજા થઈ હોવાનો ખોટો દાવો કરીને રાજકીય સિમ્પથી મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને તેના આધારે નિર્દોષ ભાજપ નેતાઓ સામે હત્યાના પ્રયાસ (IPC 307) નો ગંભીર કેસ ઠોકી બેસાડ્યો હતો.

આ દાવાના સમર્થનમાં સુવેન્દુ અધિકારીએ એક મેડિકલ રિપોર્ટ જાહેર કરતા જણાવ્યું કે તે સમયના સત્તાવાર તબીબી દસ્તાવેજોમાં ક્યાંય પણ ફ્રેક્ચરનો ઉલ્લેખ નથી, જેનાથી સાબિત થાય છે કે ઈજાનો બનાવટ માત્ર એક રાજકીય નાટક હતો. તેમણે રાજ્યના પિડિત ભાજપ કાર્યકરોને સંપૂર્ણ કાનૂની સહાય આપવાનું વચન આપતા સ્પષ્ટ કર્યું કે આદર્શ આચારસંહિતા હટતાની સાથે જ કાયદાનો દુરુપયોગ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, કારણ કે ખોટા કેસ અને આરોપો ભારતીય ફોજદારી સંહિતા હેઠળ સજાપાત્ર ગુનો છે.

(5:36 PM IST)