<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવતા જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો સપાટો: રસ્તાઓ પર નમાજ પઢવા અંગે આકરો પ્રતિબંધ

મસ્જિદમાં જ પઢવી પડશે નમાજ: સડકો જામ કરી થતી ધાર્મિક પ્રાર્થનાઓ અને લાઉડસ્પીકર મામલે પોલીસને કડક આદેશ

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત સાથે ભાજપની સરકાર બનતા જ નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ કડક નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. ટ્રાફિક અને સામાન્ય જનતાની હાલાકી નિવારવા માટે હવેથી રસ્તાઓ પર શુક્રવારની નમાજ કે અન્ય કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ યોજવા પર રોક લગાવી દેવામાં આવી છે. લાઉડસ્પીકરનો અવાજ પણ ધાર્મિક સ્થળની બહાર ન જાય તે માટે પોલીસને તાકીદ કરાઈ છે.

પશ્ચિમ બંગાળમાં વર્ષો બાદ સત્તાનું સુકાન સંભાળનાર ભાજપ સરકારના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ચાર્જ લેતાની સાથે જ પોતાના ચૂંટણી વચનો મુજબ એક્શન મોડમાં કામગીરી આરંભી દીધી છે. 

 

વાયરલ થઈ રહેલા વીડિયો અને રાષ્ટ્રીય મીડિયાના સત્તાવાર અહેવાલો મુજબ, બંગાળમાં અત્યાર સુધી રસ્તાઓ રોકીને શુક્રવારની નમાજ પઢવાની જે પ્રથા ચાલતી હતી, તેના પર મુખ્યમંત્રીએ સંપૂર્ણ બ્રેક લગાવી દીધી છે અને આ શુક્રવારથી જ તેનો કડક અમલ શરૂ કરાવી દેવાયો છે.

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કરેલી પ્રથમ બેઠકમાં સ્પષ્ટ અને આકરા આદેશ આપ્યા હતા કે ધાર્મિક કાર્યક્રમો કે પ્રાર્થનાના નામે મુખ્ય માર્ગો રોકીને સામાન્ય નાગરિકોને મુશ્કેલીમાં મૂકવાની પ્રવૃત્તિ જરા પણ ચલાવી લેવાશે નહીં. 

ભાજપના વરિષ્ઠ નેતા અર્જુન સિંહે પણ સત્તાવાર નિવેદન આપીને આ વાતને સમર્થન આપ્યું છે કે નમાજ માત્ર મસ્જિદની અંદર જ પઢવાની રહેશે, સડકો પર હવેથી આવો જમાવડો સહન કરવામાં આવશે નહીં. ભૂતકાળમાં કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ જેવા વિસ્તારોમાં થતા મોટા ધાર્મિક આયોજનો પર પણ નિયંત્રણો લાગુ કરી દેવાયા છે.

આ ઉપરાંત, લાઉડસ્પીકર અંગે પણ મોટો નિર્ણય લેવાયો છે. ધાર્મિક સ્થળો પર વાગતા લાઉડસ્પીકરનો અવાજ પરિસરની હદ પાર ન કરે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી પોલીસ તંત્રને સોંપવામાં આવી છે. 

વિશેષ નોંધનીય વાત એ છે કે, કોલકાતાની નામાંકિત નાખોદા મસ્જિદના હોદ્દેદારો સહિતના મુસ્લિમ સમુદાયના આગેવાનોએ પણ સમાન કાયદા અને નિયમોના પાલન અંતર્ગત સરકારના આ નિર્ણયનું સ્વાગત કરીને સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી છે. તુષ્ટિકરણની રાજનીતિ ખતમ કરી કાયદો અને વ્યવસ્થાનું શાસન સ્થાપવા બંગાળ સરકારે કમર કસી લીધી છે. 

(1:28 AM IST)