<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

મરાઠા અનામત વિવાદમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન: મનોજ જરાંગેની ૧૩માંથી ૧૨ માંગણીઓ સ્વીકારી, મુંબઈ કૂચ વચ્ચે સરકારે વલણ સ્પષ્ટ કર્યું!

માત્ર એક કાનૂની માંગણી કોર્ટમાં વિચારણા હેઠળ હોવાથી ઉકેલ બાકી; ગણેશોત્સવ અને વિસર્જન ટાણે ભક્તોની અસુવિધા ટાળવા વિરોધ કૂચ પર પુનર્વિચાર કરવા સીએમની અપીલ

મુંબઈ : મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે અને આંદોલનકારી મનોજ જરાંગે પાટીલના નેતૃત્વમાં કાર્યકરો મુંબઈ તરફ કૂચ કરી રહ્યા છે. આ દરમિયાન મુંબઈમાં સાપ્તાહિક કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સામે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે રાજ્ય સરકારે મરાઠા અનામત મુદ્દે મનોજ જરાંગે પાટીલની ૧૩માંથી ૧૨ માંગણીઓ સ્વીકારી લીધી છે અને તેના પર યોગ્ય કાર્યવાહી પણ કરી દીધી છે.

 

મુખ્યમંત્રી ફડણવીસે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે માત્ર એક જ માંગણીનો અમલ થઈ શક્યો નથી, કારણ કે તે મુદ્દો હાલ કોર્ટમાં વિચારણા હેઠળ છે. સરકારી વર્તુળોના જણાવ્યા મુજબ, બાકી રહેલી આ એકમાત્ર માંગણી જૂના સરકારી રેકોર્ડ્સ અને ગેઝેટિયર્સના આધારે મરાઠા સમુદાયના તમામ સભ્યોને કુનબી (OBC) પ્રમાણપત્ર આપવાની છે. સરકારે આ માંગણીના અમલીકરણમાં આવતી કાનૂની મુશ્કેલીઓ આંદોલનકારીઓને સમજાવવા પ્રયાસ કર્યો છે.

 

બીજી તરફ, મનોજ જરાંગે પાટીલે જાલનાના અંતરવાલી સારાટીથી મુંબઈ તરફ પોતાની આંદોલન કૂચ શરૂ કરી દીધી છે અને તેઓ ૧૯ સપ્ટેમ્બરે મુંબઈના આઝાદ મેદાન પહોંચી આમરણ ઉપવાસ પર બેસવાના છે. આ સમયગાળો ગૌરી-ગણેશ વિસર્જન સાથે આવતો હોવાથી મુખ્યમંત્રીએ તહેવારોની મોસમમાં ભક્તો અને નાગરિકોને અસુવિધા ન થાય તે માટે આંદોલન પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે. જોકે, જરાંગે પાટીલે વિશાળ જનમેદનીને બદલે માત્ર અમુક સાથીઓ સાથે મુંબઈ આવવાની ખાતરી આપી છે અને જો સરકારી વહીવટીતંત્ર પરવાનગી નહીં આપે તો આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન માટે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની ચીમકી આપી છે.

 

(8:14 PM IST)