<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

૭૭માં વન મહોત્સવે પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી જાહેરાત : બરડા અભયારણ્યના માલધારીઓને સ્વૈચ્છિક સ્થળાંતર માટે કુટુંબ દીઠ રૂ. ૧૫ લાખની આર્થિક સહાય અને ૧૦૦ ચોરસ વારનો આવાસ પ્લોટ વિનામૂલ્યે અપાશે

એશિયાઈ સિંહોના બીજા રહેઠાણ તરીકે વિકસતા બરડા અભયારણ્યમાં વન્યજીવ સંરક્ષણ અને માનવ-પ્રાણી ઘર્ષણ અટકાવવા ઐતિહાસિક યોજના : માલધારી પરિવારોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારીની તકો સાથે સમાજની મુખ્યધારામાં જોડવાનો હેતુ

પોરબંદર:પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૯૨.૩૧ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું બરડા અભયારણ્ય એશિયાઈ સિંહોના બીજા સ્વભાવિક રહેઠાણ તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં વન્ય પ્રાણી સંરક્ષણ, સિંહની સુરક્ષા અને માનવ-વન્ય પ્રાણી ઘર્ષણ અટકાવવા સાથે નેસમાં વસતા માલધારી પરિવારોને શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવી સુવિધાઓ આપી સમાજની મુખ્યધારામાં જોડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૭૭માં વન મહોત્સવ પ્રસંગે પોરબંદર ખાતે એક મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે.

રાજ્ય સરકારની આ નવિન યોજના અનુસાર બરડા અભયારણ્યના માલધારીઓને સ્વૈચ્છિક રીતે અભયારણ્ય બહાર વસાવવામાં આવશે. આ અંતર્ગત નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ની માર્ગદર્શિકા મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કુટુંબ દીઠ રૂ. ૧૫ લાખની સમગ્ર રકમ એકસાથે ચૂકવવામાં આવશે. સ્વૈચ્છિક સ્થળાંતર કર્યા બાદ આ પરિવારોનો બરડા વિસ્તારમાં અન્ય કોઈ હક્કહિત માન્ય રહેશે નહીં તેમજ આ સિવાય કોઈ વધારાની રકમ ચૂકવવાપાત્ર થશે નહીં.

સ્થળાંતરિત થનારા માલધારી પરિવારો માટે રહેઠાણની વ્યવસ્થા રૂપે રાજ્ય સરકારની યોજના મુજબ નિયમોનુસાર ૧૦૦ ચોરસ વારનો પ્લોટ વિનામૂલ્યે ફાળવાશે. આ જમીન સંબંધિત કલેક્ટર અને જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા અભયારણ્ય તેમજ ઈકો-સેન્સિટિવ ઝોનની હદ બહાર, મહાનગરપાલિકાની હદથી ૧૦ કિ.મી. અને નગરપાલિકાની હદથી ૫ કિ.મી. બહારના વિસ્તારમાં આવેલા કોઈ પણ ગામની બાજુમાં અપાશે. આ ઉપરાંત, માલઢોર ધરાવતા પરિવારો જો માંગણી કરે તો માલઢોર માટે વધારાનો ૧૦૦ ચોરસ વાર સુધીનો પ્લોટ બજાર કિંમતે અપાશે, જે પ્લોટની રકમ તેમને મળવાપાત્ર રૂ. ૧૫ લાખની સહાયમાંથી બાદ કરીને બાકીની રકમ ચૂકવાશે.

આ યોજનાના સુચારુ અમલીકરણ અને માર્ગદર્શન માટે વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની સમિતિ રચાાઈ છે. જેમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન તથા સમાજ કલ્યાણ નિયામક સભ્ય તરીકે અને જુનાગઢ વન્યજીવ વર્તુળના વન સંરક્ષક સભ્ય સચિવ તરીકે સેવા આપશે.

જ્યારે જિલ્લા કક્ષાએ યોજનાના અમલીકરણ, કુટુંબોની સંખ્યા અને આધાર પુરાવાની ચકાસણી માટે સંબંધિત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ ગઠિત કરવામાં આવી છે. જેમાં DDO, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, કાર્યપાલક ઈજનેર, PGVCL ના પ્રતિનિધિ સભ્ય તરીકે અને નાયબ વન સંરક્ષક સભ્ય સચિવ તરીકે કામગીરી સંભાળશે.

માલધારીઓના આ સ્વૈચ્છિક સ્થળાંતરથી બરડા અભયારણ્યનો મોટો ભાગ માનવ અતિક્રમણ અને બાયોટિક પ્રેશરથી મુક્ત થઈ વન્યજીવસૃષ્ટિ માટે ખુલ્લો થશે. સાથોસાથ સ્થળાંતરિત માલધારી પરિવારોને જીવનનિર્વાહની ઉત્તમ તકો મળતાં તેમની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવશે.

(6:28 PM IST)