<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ્મ ભૂષણ આપવો જોઈએ: વિપક્ષના રાજીનામાના દબાણ વચ્ચે ભાજપ નેતા સમિક ભટ્ટાચાર્યનું મોટું નિવેદન!

"પશ્ચિમ બંગાળમાં ભયમુક્ત મતદાન કરાવવા અને ઘૂસણખોરોના નામ શુદ્ધ કરવા બદલ CEC સન્માનના હકદાર"; રાહુલ ગાંધીના તીખા આક્ષેપો સામે ભાજપનો પલટવાર

કોલકાતા, તા.૨૫: પશ્ચિમ બંગાળના રાજકારણમાં અને કેન્દ્રીય સ્તરે ચૂંટણી પંચને લઈને ચાલતા વિવાદ વચ્ચે એક નવો રાજકીય વળાંક આવ્યો છે. કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની સતત માંગ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય તેમના સમર્થનમાં આગળ આવ્યા છે. શુક્રવારે પાનિહાટી ખાતે પત્રકારો સાથે વાત કરતા ભટ્ટાચાર્યએ જ્ઞાનેશ કુમારની કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને માંગ કરી હતી કે પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવા બદલ તેમને ઓછામાં ઓછું 'પદ્મ ભૂષણ' સન્માન મળવું જોઈએ.

 

સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના લોકો ખુશ છે કારણ કે લાંબા સમય બાદ રાજ્યમાં ચૂંટણી દરમિયાન કોઈ ધાકધમકી કે હિંસાની ઘટના બની નથી. લોકો ભય વગર મતદાન કરી શક્યા છે અને ચૂંટણી હિંસામાં થતી હત્યાઓ અટકી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે બંગાળ જેવા સરહદી રાજ્યમાં મતદાર યાદીમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોના નામ દૂર કરવાની ઐતિહાસિક પહેલ જ્ઞાનેશ કુમારે કરી છે, તેથી રાજ્યની જનતા તેમના કાર્યને પૂર્ણ સમર્થન આપે છે.

 

રાહુલ ગાંધીના ગંભીર આરોપો અને રાજીનામાની માંગણી

 

બીજી તરફ, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની કાર્યશૈલી પર સવાલો ઉઠાવતા અત્યંત આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ મુખ્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે લોકશાહી અને ચૂંટણી પ્રણાલીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપવાની અને સરકારી સાક્ષી બનવાની સલાહ આપી હતી.

 

આ ઉપરાંત રાહુલ ગાંધીએ કમિશનના અન્ય બે કમિશનરો (સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી) દ્વારા અમુક નિર્ણયો સામે વાંધો ઉઠાવવાના પગલાંને આવકાર્યું હતું. જોકે, ભાજપે આ તમામ આરોપોને ફગાવી દેતા વળતો પ્રહાર કર્યો છે કે વિપક્ષ પોતાની હાર ભાળી જઈને બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

(5:41 PM IST)