<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ચેન્નાઈ પર જળસમાધિનું સંકટ: જમીન ધસી રહી છે અને સમુદ્રનું સ્તર વધી રહ્યું છે, શું 65 લાખ લોકોના અસ્તિત્વ સામે ઉભું થયું છે જોખમ? સંશોધકોના નવા રિસર્ચથી ફફડાટ

વર્ષે 1.5 સેમી જમીન નીચે બેસી રહી છે અને દરિયો 2.8 મીમી આગળ વધી રહ્યો છે: આગામી 25 વર્ષમાં શહેરનો ત્રીજો ભાગ ડૂબી જવાની દહેશત, આડેધડ બાંધકામ અને કુદરત સાથે છેડછાડ બની 'વિલન'

ચેન્નાઈ, : દુનિયાભરમાં ક્લાઈમેટ ચેન્જ (આબોહવા પરિવર્તન) ની અસરો દેખાઈ રહી છે, પરંતુ દક્ષિણ ભારતના મહાનગર ચેન્નાઈ માટે જે અહેવાલો સામે આવ્યા છે તે અત્યંત ચોંકાવનારા છે. વૈજ્ઞાનિકોના એક નવા અભ્યાસ મુજબ, ચેન્નાઈની જમીન દર વર્ષે સરેરાશ 1.5 સેન્ટીમીટર જેટલી ધસી રહી છે, જ્યારે સામે પક્ષે સમુદ્રનું સ્તર દર વર્ષે 2.8 મિલીમીટરની ઝડપે વધી રહ્યું છે. આ બેવડા જોખમ વચ્ચે શહેરના 65 લાખ લોકો પર પૂર અને વિનાશનું સંકટ મંડરાઈ રહ્યું છે.
2050 સુધીમાં પરિસ્થિતિ વણસશે
પંજાબના મોહાલી સ્થિત ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાન (IISER) ના ભૂ-વૈજ્ઞાનિક અર્પણ શાસ્ત્રીના નેતૃત્વમાં થયેલા આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જો આ જ ગતિએ જમીન ધસતી રહી તો આગામી 25 વર્ષમાં 10 લાખથી વધુ લોકો ઉચ્ચ જોખમ ધરાવતા પૂરના વિસ્તારોમાં આવી જશે. અંદાજ મુજબ, વર્ષ 2030 માં પૂરના જોખમ હેઠળ રહેલી વસ્તી 52 લાખ છે, જે 2050 સુધીમાં વધીને 65 લાખ સુધી પહોંચી શકે છે.
શા માટે ચેન્નાઈ પર વધુ જોખમ?
વૈજ્ઞાનિકોના મતે ચેન્નાઈ શહેર દુનિયાના સૌથી વધુ વાવાઝોડા સંભવિત વિસ્તારોમાંનું એક છે. અહીં દર વર્ષે સરેરાશ પાંચ વાવાઝોડા ત્રાટકે છે. શહેરના નીચાણવાળા તટીય વિસ્તારોનો લગભગ એક તૃતીયાંશ હિસ્સો ગમે ત્યારે સમુદ્રની લહેરો અને તોફાની પવનના કારણે ડૂબી જવાની ભીતિ છે. ઘણા મોટા રહેણાંક અને વ્યાપારી વિસ્તારો આ વિનાશકારી પૂરના સીધા જોખમ હેઠળ છે.
આડેધડ બાંધકામ અને પ્રકૃતિ સાથે છેડછાડ
નિષ્ણાતો માને છે કે ચેન્નાઈમાં વારંવાર આવતા પૂર અને ચક્રવાત પાછળ માનવીય ભૂલો પણ જવાબદાર છે. શહેરમાં થયેલું આડેધડ બાંધકામ અને આયોજન વગરનો વિકાસ પાણીના કુદરતી વહાવને રોકી રહ્યો છે. બહુમાળી ઇમારતોના કારણે જમીન પર દબાણ વધી રહ્યું છે અને પ્રકૃતિનું સંતુલન બગડી રહ્યું છે.
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો હજુ પણ કુદરતી વ્યવસ્થા સાથેની છેડછાડ બંધ કરવામાં નહીં આવે અને કડક પગલાં લેવામાં નહીં આવે, તો ભવિષ્યની આપત્તિને ટાળવી મુશ્કેલ બની જશે. પ્રકૃતિને થતું નુકસાન અટકાવવું એ જ હવે આ મહાનગરને બચાવવાનો એકમાત્ર માર્ગ છે.

(9:57 PM IST)