તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
માત્ર દોઢ રૂપિયામાં લોટ અને ચોખામાં આયર્ન ચકાસો: IIT દિલ્હીની ક્રાંતિકારી ટેબ્લેટથી ઘરે બેઠા ખાદ્ય પદાર્થોની શુદ્ધતા પારખવી થશે આસાન
મોંઘી લેબ ટેસ્ટિંગ અને હજારો રૂપિયાના ખર્ચમાંથી સામાન્ય માનવીને મળશે મુક્તિ: IIT દિલ્હીના સંશોધકો દ્વારા વિકસાવવામાં આવેલી અનોખી ટેસ્ટિંગ ટેબ્લેટ પાણીમાં રંગ બદલીને ખોરાકમાં રહેલા પોષક તત્વો અને આયર્નની માત્રાનો સચોટ ખુલાસો કરશે

નવી દિલ્હી:બજારમાંથી ખરીદેલા લોટ, ચોખા, ઘઉં અને રોજિંદા ખાદ્ય પદાર્થોમાં ખરેખર પોષક તત્વો છે કે નહીં અથવા કંપનીઓએ પેકેટ પર દર્શાવ્યા મુજબ આયર્ન ઉમેર્યું છે કે નહીં, તે જાણવા માટે હવે સામાન્ય નાગરિકોએ હજારો રૂપિયા ખર્ચીને મોંઘી પ્રયોગશાળાઓના ધક્કા ખાવા નહીં પડે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) દિલ્હીના સેન્ટર ફોર રૂરલ ડેવલપમેન્ટ ટેકનોલોજીના સંશોધકોએ એક અત્યંત સસ્તી અને નાની ટેસ્ટિંગ ટેબ્લેટ વિકસાવી છે, જે માત્ર દોઢ થી બે રૂપિયાના ખર્ચે ઘરે બેઠા ખાદ્ય પદાર્થોમાં આયર્નનું પ્રમાણ અને તેનો સ્ત્રોત છાતી ઠોકીને ચકાસી શકવાની સુવિધા પૂરી પાડશે.
આ ક્રાંતિકારી ટેકનોલોજીના ઉપયોગની પદ્ધતિ પણ એટલી જ સરળ છે કે કોઈપણ સામાન્ય વ્યક્તિ તેને ઘરમાં આસાનીથી અજમાવી શકે છે. આ માટે માત્ર એક બાઉલ અથવા ગ્લાસમાં આશરે 100 મિલી પાણી લઈને તેમાં લોટ, ચોખા કે અન્ય ખાદ્ય પદાર્થનો નમૂનો ભેળવવાનો રહે છે અને ત્યારબાદ તૈયાર કરેલી ટેબ્લેટ નાખીને બરાબર મિક્સ કરવાની હોય છે. પાણીમાં ભળ્યા બાદ ટેબ્લેટ રંગ બદલે છે, જેના આધારે ખોરાકમાં આયર્નની હાજરી અને તેની અંદાજિત માત્રા જાણી શકાય છે. સંશોધકોએ એક રંગીન ચાર્ટ પણ તૈયાર કર્યો છે જેમાં સફેદ રંગ આયર્નની ગેરહાજરી, રાખોડી રંગ 10 મિલીગ્રામ, આછો રંગ 25 મિલિગ્રામ, જાંબલી રંગ 40 મિલિગ્રામ અને કાળો રંગ આશરે 50 મિલિગ્રામ આયર્ન હોવાનો સંકેત આપે છે.
અઢી વર્ષના લાંબા સંશોધન અને ૧૦૦થી વધુ રસાયણોના પ્રયોગો બાદ તૈયાર થયેલી આ ટેબ્લેટ લોટ, ચોખા કે ઘઉં ઉપરાંત મીઠું, આયર્નની ગોળીઓ અને બાળકોના સિરપમાં પણ આયર્નની ચકાસણી કરવા માટે અત્યંત કારગર સાબિત થઈ છે. સામાન્ય રીતે જે પ્રયોગશાળા પરીક્ષણ માટે ₹૨,૫૦૦ થી ₹૨,૬00 જેટલો તોતિંગ ખર્ચ થાય છે, તે કામ હવે માત્ર ₹૧.૫ થી ₹૨ ની નજીવી કિંમતે થઈ શકશે. IIT દિલ્હીના આ અભિનવ સંશોધનથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વસતા સામાન્ય લોકો અને ગ્રાહકો પોતાના ખોરાકની ગુણવત્તા જાતે જ ચકાસી શકશે, જે દેશમાં પોષણયુક્ત આહાર અને જાગૃતિની દિશામાં એક સીમાચિહ્ન રૂપ પગલું સાબિત થશે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
