તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
બદલાતું વાતાવરણ બગાડી શકે છે કેસર કેરીની મજાઃ દિવાળી વીતવા છતાં આંબામાં ફલાવરિંગ નહીં: ઉત્પાદનમાં ૨૫ ટકા સુધી ઘટાડાનો અંદાજ
આ વર્ષે વાવાઝોડાની અસર અને ખરાબ વાતાવરણના લીધે ગીરની કેસર કેરીના ૧૦ કિલોના એક બોક્સની કિંમત ૩ હજાર સુધી પહોંચી શકે છે

નવી દિલ્હી તા.૧૩: ખાંભા, ગીર, ધારી, સાવરકુંડલા પંથકમાં પ્રખ્યાત કેસર કેરીના ખેડૂતો માટે આગામી સિઝન ચિંતાજનક બની રહી છે. બદલાતા વાતાવરણ, અસામાન્ય તાપમાન અને ઓછા વરસાદની સીધી અસર આંબાના પાક પર જોવા મળી રહી છે. સામાન્ય રીતે નવરાત્રિ અને દિવાળીના સમયગાળા વચ્ચે રાત્રિના તાપમાનમાં ઘટાડો શરૂ થતાં આંબામાં ફલાવરિગ એટલે કે મોર આવવાની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. જોકે, આ વર્ષે દિવાળી વીતી ગઈ હોવા છતાં રાત્રિના તાપમાનમાં અપેક્ષિત ઘટાડો થયો નથી. જેના કારણે આંબામાં હજુ સુધી ધાર્યું ફલાવરિગ જોવા મળ્યું નથી.
આંબામાં મોર આવવાની પ્રક્રિયા મોડી પડતાં આગામી કેરીની સિઝનના ઉત્પાદન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ખેડૂતોના અંદાજ પ્રમાણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ૨૦થી ૨૫ ટકા જેટલો ઘટાડો થવાની શક્યતા છે. જો આગામી દિવસોમાં પણ વાતાવરણ અનુકૂળ નહીં બને તો ઉત્પાદન પર વધુ માઠી અસર પડી શકે છે. બીજી તરફ ઉત્પાદન ઘટવાની શક્યતાને પગલે આગામી સિઝનમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીના ભાવ ઊંચા રહેવાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે.
સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ઠંડીની શરૂઆત થતાં આંબાની ડાળીઓ પર મોર બેસવાની પ્રક્રિયા શરૂ થાય છે. પરંતુ આ વર્ષે દિવસ અને રાત્રિના તાપમાનમાં અપેક્ષિત ઘટાડો નહીં થતાં આંબામાં ફલાવરિગની સ્થિતિ નબળી જોવા મળી રહી છે. અમરેલી વિસ્તારમાં અમુક ગણ્યા-ગાંઠ્યા આંબામાં જ થોડા પ્રમાણમાં મોર દેખાઈ રહ્યો છે, જ્યારે મોટા ભાગના આંબા હજુ ફલાવરિગની રાહ જોઈ રહ્યા છે.
સ્થાનિક ખેડૂત જીગરભાઈ હિરપરાના જણાવ્યા અનુસાર, વાવાઝોડું દરિયામાં ફૂંકાયું હતું, જેની અસરના કારણે સૌરાષ્ટ્રમાં માવઠું થયું હતું, જેની અસર હવે બગાયતી પાકોમાં જોવા મળી રહી છે. અહીં આ સમયગાળા દરમિયાન આંબામાં મોર આવી જતો હોય છે અને દર વર્ષે કેટલાક આંબામાં આગોતરું ફલાવરિગ પણ જોવા મળતું હોય છે. પરંતુ આ વર્ષે વાતાવરણની અનિયમિતતા અને વરસાદના ખેંચાણને કારણે આંબામાં ધાર્યો મોર આવ્યો નથી. અમુક ગણ્યા-ગાંઠ્યા આંબામાં જ થોડા પ્રમાણમાં મોર જોવા મળી રહ્યો છે.અને આંબા પર નવી કુપળો ફુટિ રહી છે.
વર્તમાન સમયમાં જે પ્રમાણે ઠંડી પડવી જોઈએ તે પ્રમાણે ઠંડી પડતી નથી. જેના કારણે આંબામાંથી મોર બહાર આવવાની પ્રક્રિયા પ્રભાવિત થઈ રહી છે. આગામી દિવસોમાં મોર આવી જાય, તો પણ આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને કમોસમી વરસાદ થવાની શક્યતા ખેડૂતો માટે ચિતાનો વિષય છે. કારણ કે ફલાવરિગ આવ્યા બાદ વાતાવરણમાં થતો અચાનક પલટો પણ પાકને નુકસાન પહોંચાડી શકે છે.
આ વર્ષે ઓછા વરસાદને કારણે ગીર વિસ્તારમાં ખેતી માટે પાણીની સમસ્યા પણ ઊભી થઈ છે. વરસાદની અછતના કારણે કૂવા અને બોરના પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા છે. પરિણામે આંબાના બગીચાઓમાં જરૂરિયાત મુજબ સિચાઈ કરવી મુશ્કેલ બની રહી છે.
આંબામાં ફલાવરિગ બાદ ફળ બેસવાની અને તેના વિકાસની પ્રક્રિયા દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેવું જરૂરી છે. જો પાણીની અછત રહેશે તો આંબા પર બેસનાર કેરીનો વિકાસ યોગ્ય રીતે થઈ શકશે નહીં અને ફળનું કદ પણ નાનું રહેવાની શક્યતા છે. આમ, એક તરફ મોર આવવાની પ્રક્રિયા મોડી પડી છે તો બીજી તરફ પાણીની અછત આગામી પાક માટે વધુ એક પડકાર બની રહી છે.
ખેડૂતોના અંદાજ મુજબ સમગ્ર અમરેલી ના ગીર વિસ્તારમાં આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ૨૦થી ૨૫ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે. ઉત્પાદન ઘટશે તો તેની સીધી અસર બજારમાં કેસર કેરીની આવક અને ભાવ પર જોવા મળી શકે છે.
ગીરની કેસર કેરી દેશ-વિદેશમાં પોતાની વિશિષ્ટ સુગંધ, સ્વાદ અને ગુણવત્તા માટે જાણીતી છે. દર વર્ષે કેરીની સિઝનની આતુરતાથી રાહ જોતા ગ્રાહકોને આ વર્ષે કેરી ખરીદવા માટે વધુ કિમત ચૂકવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ખેડૂતોના પ્રાથમિક અંદાજ મુજબ જો ઉત્પાદન ૨૦થી ૨૫ ટકા જેટલું ઘટશે તો બજારમાં કેરીની આવક ઓછી રહેશે. પરિણામે આગામી સિઝનમાં ૧૦ કિલોના એક બોક્સના ભાવ રૂ. ૨૫૦૦થી ૩૦૦૦ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, વાસ્તવિક ભાવ આગામી સમયમાં થતા ફલાવરિગ, ફળની ગુણવત્તા, ઉત્પાદન અને બજારની માંગ પર આધારિત રહેશે.
આ સમગ્ર પરિસ્થિતિ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બાગાયત મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડો. ડી.કે. વરુએ જણાવ્યું કે, છેલ્લા ચારથી પાંચ વર્ષથી આંબાના ખેડૂતો આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાનું મુખ્ય કારણ જળવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ છે. તાપમાનમાં મોટા ફેરફારો અને વરસાદની પેટર્ન બદલાવાના કારણે આંબાની મૂળભૂત ફિઝિયોલોજી ડિસ્ટર્બ થઈ રહી છે.
સામાન્ય સંજોગોમાં નવેમ્બર મહિનામાં ખાસ કરીને ૧૫ નવેમ્બર પછી આંબામાં મોટાભાગનું ફલાવરિગ આવતું હોય છે. આંબામાં સારા પ્રમાણમાં મોર આવે તે માટે રાત્રિનું તાપમાન આશરે ૧૫ ડિગ્રી અને દિવસનું તાપમાન ૨૦થી ૨૫ ડિગ્રી રહેવું અનુકૂળ ગણાય છે. આ ઉપરાંત ફલાવરિગ આવ્યા બાદ વરસાદ ન પડે અને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તો સારા ઉત્પાદનની શક્યતા વધે છે.
ડો. વરુના જણાવ્યા અનુસાર, આ વર્ષે તાપમાનમાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર મહિનામાં તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જ્યારે નવેમ્બર મહિનામાં પણ દિવસનું તાપમાન ૩૦થી ૩૫ ડિગ્રી આસપાસ રહેતાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ પ્રકારનું તાપમાન આંબામાં ફલાવરિગ આવવાની કુદરતી પ્રક્રિયાને અસર કરી શકે છે.
આ વર્ષે વરસાદ ઓછો રહ્યો છે, જે એક રીતે આંબાના પાક માટે ફાયદાકારક બાબત છે. કારણ કે આંબામાં ફૂલ આવવાના સમયગાળા દરમિયાન વધુ વરસાદ નુકસાનકારક બની શકે છે. આંબાની તંદુરસ્તી સારી છે અને નવી ફલસ એટલે કે કોપરી ઓછી નીકળવાના કારણે ડાળીઓ પાકટ બની છે. ડાળીઓ પાકટ હોવી ફલાવરિગ માટે સારી નિશાની છે.
ડો. ડી.કે. વરુએ વધુમાં જણાવ્યું હતું કે, જો આગામી ૧૫ નવેમ્બર પછી અને ડિસેમ્બર મહિના દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો થાય અને ખૂબ વધારે ઠંડી ન પડે તો આંબામાં સારું ફલાવરિગ આવી શકે છે. હાલ આંબાની સ્થિતિને જોતા ખેડૂતો માટે હજુ આશા જીવંત છે. પરંતુ આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધઘટ થાય અથવા કમોસમી વરસાદ પડે તો કેરીનું સારું ઉત્પાદન મેળવવું ખૂબ મુશ્કેલ બની શકે છે.
આમ, અમરેલી ગીરની ઓળખ સમાન કેસર કેરીની આગામી સિઝન હવે સંપૂર્ણપણે કુદરતી વાતાવરણ પર નિર્ભર બની છે. એક તરફ ખેડૂતો આંબામાં મોર આવવાની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ઓછા પાણી અને વધતી ગરમીની ચિતા સતાવી રહી છે. આગામી પખવાડિયામાં વાતાવરણ કેવો મિજાજ બતાવે છે તેના પર ગીરની કેસર કેરીનું ઉત્પાદન અને બજારભાવનો મોટો આધાર રહેશે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
