તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
વિદેશમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો બદલાતો મૂડ: યુનિવર્સિટીના ટેગ કરતા નોકરીની તકોને પ્રાથમિકતા
UpGrad ના વૈશ્વિક શિક્ષણ અહેવાલમાં સનસનાટીભર્યો ખુલાસો: ૪૯% વિદ્યાર્થીઓ માટે રોજગારી મુખ્ય ધ્યેય, યુરોપના દેશો તરફ વધ્યો ઝુકાવ

નવી દિલ્હી : વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જતા ભારતીય વિદ્યાર્થીઓની માનસિકતામાં મોટો અને ગુણાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે. હવે વિદ્યાર્થીઓ માત્ર પ્રખ્યાત કે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના નામના આધારે પસંદગી કરવાને બદલે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મળતી નોકરીની તકો, કેરિયર ગ્રોથ અને રોકાણ સામે મળતા વળતર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. સ્કિલ એન્ડ વર્કફોર્સ ડેવલપમેન્ટ કંપની UpGrad ના તાજેતરના આંતરરાષ્ટ્રીય શિક્ષણ અહેવાલ મુજબ, ૪૯ ટકા ભારતીય વિદ્યાર્થીઓએ વિદેશ જવાનું મુખ્ય કારણ સારી રોજગારીની તકો ગણાવ્યું છે.
આ રિપોર્ટ જાન્યુઆરી ૨૦૨૫ થી જૂન ૨૦૨૬ દરમિયાન સલાહ લેનારા ૫૩,૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓના ડેટા પર આધારિત છે. જેમાં ૬૫.૮ ટકા તાજા સ્નાતકો હતા અને આશરે ૬૦ ટકા વિદ્યાર્થીઓ ટાયર-૨ અને ટાયર-૩ (નાના અને મધ્યમ) શહેરોમાંથી આવતા હતા. કડક વિઝા નિયમો અને પરંપરાગત દેશોના વધતા ખર્ચને કારણે હવે વિદ્યાર્થીઓ બજેટ-ફ્રેન્ડલી અને કારકિર્દીલક્ષી વિકલ્પો તરફ વળી રહ્યા છે.
૪૯% વિદ્યાર્થીઓ માટે નોકરીની તકો વિદેશ જવા માટેનું મુખ્ય પ્રેરક બળ છે . અન્ય કારણોમાં શિક્ષણની ગુણવત્તા, કાયમી વસવાટ (PR) ની ઇચ્છા અને સુધારેલી જીવનશૈલીનો સમાવેશ થાય છે. યુએસ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા પરંપરાગત દેશો ઉપરાંત હવે વિદ્યાર્થીઓ જર્મની, ફિનલેન્ડ, સ્પેન અને ફ્રાન્સ તરફ વળી રહ્યા છે. યુરોપિયન દેશોમાં ઓછો અભ્યાસ ખર્ચ, ઉદ્યોગ-સંબંધિત અભ્યાસક્રમો અને રોજગારીની સહેલી તકો મુખ્ય આકર્ષણ છે. દર ૧૦ માંથી લગભગ ૭ વિદ્યાર્થીઓ (૭૦%) ₹૩૦ લાખથી ઓછા કુલ બજેટમાં વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરવાનું આયોજન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ હવે ઓછા ખર્ચે ઉચ્ચ વળતર આપતા વિકલ્પોને વધુ મહત્ત્વ આપી રહ્યા છે.
UpGrad ના પ્રવક્તા અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓની માનસિકતામાં આવેલું આ પરિવર્તન દર્શાવે છે કે તેઓ હવે વધુ વ્યવહારુ બનીને ભવિષ્યની કારકિર્દી અને આર્થિક સ્થિરતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ રહ્યા છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
