News of Wednesday, 28th October 2026
તમિલનાડુમાં દારૂના વેચાણના નિયમોમાં ફેરફાર : ૧ નવેમ્બરથી ૧ હજારથી વધુની ખરીદી પર કેશલેસ પેમેન્ટ ફરજિયાત
.ટાસ્માકના ૪,૦૪૮ રીટેલ સ્ટોર્સ પર ઓવરચાર્જિંગ અને ગેરરીતિઓ ડામવા કડક નિયમો લાગુ: કર્મચારીઓ પર્સનલ QR કોડ કે વ્યક્તિગત ખાતામાં નહીં લઈ શકે નાણાં : પાકું બિલ આપવું અનિવાર્ય

ચેન્નાઈ: તમિલનાડુમાં દારૂ ખરીદનારા શોખીનો માટે વહીવટી તંત્ર દ્વારા એક મોટો અને કડક નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, રાજ્યભરના તમામ રિટેલ દારૂના સ્ટોર્સ પર આગામી ૧ નવેમ્બરથી રૂ. ૧,૦૦૦ થી વધુની ખરીદી કરવા પર ડિજિટલ ચુકવણી (UPI, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ) સંપૂર્ણપણે ફરજિયાત કરી દેવામાં આવી છે. જો કે, સામાન્ય ગ્રાહકો માટે રાહતની વાત એ છે કે રૂ. ૧,૦૦૦ સુધીની ખરીદી પર અગાઉની જેમ રોકડ (Cash) અથવા ડિજિટલ બંનેમાંથી ગમે તે વિકલ્પ પસંદ કરી શકાશે.
ટાસ્માક (TASMAC) ના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં હાલ ૪,૦૪૮ જેટલી દારૂની સરકારી દુકાનો કાર્યરત છે, જ્યાં મોટાભાગના વ્યવહારો હજુ પણ રોકડમાં થાય છે. રોજબરોજ લાખોની રોકડ રકમનું હેન્ડલિંગ કરવાને કારણે સુરક્ષા જોખમો, હિસાબમાં ગરબડ અને નકલી નોટોનો ભય જેવી અનેક સમસ્યાઓ ઊભી થતી હતી. આ ઉપરાંત, ગ્રાહકો પાસેથી નિર્ધારિત કિંમત કરતાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાની (ઓવરચાર્જિંગ) અસંખ્ય ફરિયાદો સરકારને મળી રહી હતી. આ તમામ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા અને વેચાણમાં પારદર્શિતા લાવવા માટે આ ડિજિટલ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી દરેક વ્યવહારનો સમય અને ચોક્કસ રકમ સરકારી ચોપડે રેકોર્ડ થઈ શકશે.
આ નવા નિયમનો કડકાઈથી અમલ કરાવવા માટે ટાસ્માક દ્વારા દુકાનના કર્મચારીઓ અને સુપરવાઇઝરો માટે સ્પષ્ટ ચેતવણી જારી કરવામાં આવી છે. હવેથી કોઈપણ કર્મચારી ગ્રાહકો પાસેથી પોતાના પર્સનલ QR કોડ કે વ્યક્તિગત બેંક ખાતા દ્વારા નાણાં સ્વીકારી શકશે નહીં, તમામ વેચાણ રકમ સીધી સત્તાવાર સરકારી બેંક ખાતામાં જ જમા થશે. દુકાનદારોએ દરેક ગ્રાહકને ફરજિયાત કાગળનું પાકું બિલ આપવું પડશે અને POS મશીન પર ચકાસણી કર્યા બાદ જ બોટલ સોંપવાની રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કર્મચારી સામે ત્વરિત શિસ્તભંગની કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમજ તમામ સ્ટોર્સ પર આ અંગેની માહિતી દર્શાવતા મોટા બોર્ડ પણ લગાવવામાં આવશે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
