<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

કાયદો બદલો, પીડિતાની વેદના સમજોઃ ૧૫ વર્ષની બાળકી પર માતળત્‍વનું દબાણ કેમ?

સુપ્રીમ કોર્ટની સરકારને ફટકારઃ બળાત્‍કાર પીડિતાની ૩૧ સપ્તાહની ગર્ભાવસ્‍થા સમાપ્ત કરવાના મામલે સુપ્રીમે માનવીય અભિગમ અપનાવ્‍યો CJI સૂર્યકાંતે કહ્યું કે અનિચ્‍છનીય ગર્ભાવસ્‍થા લાદવી એ શારીરિક અને માનસિક અત્‍યાચાર છે, નિર્ણય લેવાનો હક માત્ર પીડિતા અને તેના પરિવારનો જ રહેશે

નવી દિલ્‍હી, તા.૩૦: ભારતની સર્વોચ્‍ચ અદાલતે એક અત્‍યંત સંવેદનશીલ કેસની સુનાવણી દરમિયાન માનવ અધિકારો અનેસ્ત્રીના પોતાના શરીર પરના અધિકારને સર્વોપરી ગણાવ્‍યો છે. ૧૫ વર્ષની બળાત્‍કાર પીડિતાના ગર્ભપાતના મામલે CJI સૂર્યકાંતે ભાવુક અને કડક શબ્‍દોમાં સરકારને ઠપકો આપતા કહ્યું કે, જરા કલ્‍પના કરો કે તે બાળકીએ કેટલી પીડા અને અપમાન સહન કર્યું હશે. જ્‍યારે AIIMS એ ૩૧ અઠવાડિયાના ગર્ભને હટાવવા સામે તબીબી જટિલતાઓ અને કાયદાકીય મર્યાદાઓનો હવાલો આપ્‍યો, ત્‍યારે કોર્ટે સ્‍પષ્ટ કર્યું કે કોઈ પણ સંજોગોમાં પીડિતા પર અનિચ્‍છનીય માતળત્‍વ લાદી શકાય નહીં. અદાલતે ભારપૂર્વક જણાવ્‍યું કે જે ઉંમરે બાળકીએ ભણવું જોઈએ, તે ઉંમરે તેને પરાણે માતા બનાવવી એ તેના ભવિષ્‍ય સાથે અન્‍યાય છે.

ન્‍યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્‍યાયમૂર્તિ જોયમલ્‍યા બાગચીની ખંડપીઠે AIIMS અને કેન્‍દ્ર સરકારને માનવીય પાસાઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવા નિર્દેશ આપ્‍યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે જો ગર્ભાવસ્‍થા ચાલુ રાખવાથી પીડિતાને આજીવન માનસિક આઘાત લાગતો હોય, તો તબીબી નિષ્‍ણાતોએ પરિવારને યોગ્‍ય માર્ગદર્શન આપીને સુરક્ષિત ગર્ભપાતની શકયતાઓ તપાસવી જોઈએ. AIIMS દ્વારા ગર્ભના સંપૂર્ણ વિકાસ અને દત્તક લેવાના વિકલ્‍પની રજૂઆત સામે કોર્ટે ઠીક જ કહ્યું કે, અંતિમ નિર્ણય માત્ર પીડિતા અને તેના માતા-પિતાનો જ હોવો જોઈએ. સરકાર કે હોસ્‍પિટલ કોઈ વ્‍યક્‍તિની અંગત પસંદગી અને શારીરિક સ્‍વાયત્તતા પર પોતાનો નિર્ણય થોપી શકે નહીં.

આ કેસમાં કાયદાકીય મર્યાદાઓ પર પ્રશ્‍ન ઉઠાવતા સુપ્રીમ કોર્ટે કેન્‍દ્ર સરકારને વર્તમાન કાયદામાં સુધારાની જરૂરિયાત સમજાવી હતી. હાલના નિયમો મુજબ ગર્ભપાત માટેની ૨૦ અઠવાડિયાની સમય મર્યાદા બળાત્‍કાર જેવા ગંભીર કિસ્‍સાઓમાં અવરોધરૂપ બની રહી છે. અદાલતે ટકોર કરી કે, સમય બદલાય તેમ કાયદા પણ બદલાવા જોઈએ. ખાસ કરીને જ્‍યારે ગર્ભાવસ્‍થા કોઈ ગુનાનું પરિણામ હોય, ત્‍યારે કાયદો કડક હોવાને બદલે લવચીક હોવો જોઈએ જેથી પીડિતાને ન્‍યાય મળી શકે. કોર્ટે પૂછયું કે શું સરકાર આવા વિશિષ્ટ કિસ્‍સાઓ માટે સમય મર્યાદા વધારવા તૈયાર છે, જેથી પીડિતાઓને કાનૂની ગૂંચવણોમાં ફસાવું ન પડે.

અંતે, સર્વોચ્‍ચ અદાલતે AIIMS ને આદેશ આપ્‍યો છે કે તેઓ પીડિતા અને તેના પરિવારનું યોગ્‍ય કાઉન્‍સેલિંગ કરે જેથી તેઓ તમામ તબીબી પાસાઓને સમજીને એક જાણકાર નિર્ણય લઈ શકે. જો ગર્ભાવસ્‍થા સમાપ્ત કરવાથી માતાના જીવને જોખમ ન હોય, તો તેને પ્રાથમિકતા આપવી જોઈએ. આ સુનાવણીએ ફરી એકવાર દેશમાં ગર્ભપાતના અધિકારો અને બળાત્‍કાર પીડિતાઓની સુરક્ષા અંગે નવી ચર્ચા છેડી દીધી છે. કોર્ટના આ કડક વલણથી સ્‍પષ્ટ થાય છે કે ન્‍યાયતંત્ર હવે માત્ર કાગળ પરના કાયદાને જ નહીં, પણ પીડિતાના માનસિક સ્‍વાસ્‍થ્‍ય અને ગરિમાને પણ મહત્‍વ આપી રહ્યું છે.

(3:54 PM IST)