તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના નજીકના સાથી ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા
મોડી સાંજે ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામ વિસ્તારમાં હુમલાખોરોએ રસ્તા વચ્ચે તેમની કાર રોકી અંધાધૂંધ ગોળીબાર કર્યો :ચંદ્રનાથ રથ અને તેમના ડ્રાઇવર બંને ગંભીર રીતે ઘાયલ

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના નજીકના સાથી ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. બુધવારે મોડી સાંજે ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામ વિસ્તારમાં આ હુમલો થયો હતો. હુમલાખોરોએ રસ્તા વચ્ચે તેમની કાર રોકી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ચંદ્રનાથ રથ અને તેમના ડ્રાઇવર બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન ચંદ્રનાથ રથનું મોત થયું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, ચંદ્રનાથ રથની કારનો અન્ય એક વાહન દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ કારને ઓવરટેક કરી જબરદસ્તી રોકાવી અને ત્યારબાદ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી ચંદ્રનાથ રથના માથા અને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આરોપીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી ગોઠવવામાં આવી છે. સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે હુમલાખોરોની ઓળખ માટે વિશેષ ટીમો પણ બનાવી છે. ઘટનાની માહિતી મળ્યા બાદ શુભેન્દુ અધિકારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ચંદ્રનાથ રથના મોતની પુષ્ટિ કરી હતી. ભાજપે આ હુમલાને રાજકીય સડયંત્ર ગણાવી તૃણમૂલ કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપના નેતાઓનો દાવો છે કે રાજ્યમાં ચૂંટણી બાદ રાજકીય હિંસા વધતી જઈ રહી છે અને આ હુમલો પણ તેની જ એક કડી છે.
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
