તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
ખુરશી જોખમમાં? 30 દિવસ જેલમાં રહે તો પીએમ-સીએમને હટાવવાના મોટા બિલ પર સંસદીય સમિતિનો યુ-ટર્ન, રિપોર્ટ સ્વીકારવાનું હાલ પૂરતું મુલતવી!
૧૩૦મા બંધારણીય સુધારા બિલ પર સાંસદો વચ્ચે ભારે મંથન: ઓવૈસી અને સુપ્રિયા સુલેએ અસંમતિ પત્ર પાછા ખેંચ્યા, હવે હિસ્સેદારો સાથે વ્યાપક ચર્ચા બાદ જ લેવાશે આખરી નિર્ણય.

નવી દિલ્હી : દેશના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દે તેવા એક અત્યંત સંવેદનશીલ કાયદા પર હાલ પૂરતી બ્રેક વાગી ગઈ છે. ગંભીર આરોપો હેઠળ જો કોઈ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી કે મુખ્યમંત્રી સતત ૩૦ દિવસ સુધી અટકાયતમાં રહે, તો તેમને પદ પરથી હટાવી દેવાની જોગવાઈ ધરાવતા ૧૩૦મા બંધારણીય સુધારા બિલ પર સંસદની સંયુક્ત સમિતિએ પોતાનો ડ્રાફ્ટ રિપોર્ટ સ્વીકારવાનું હાલ પૂરતું મુલતવી રાખ્યું છે. શુક્રવારે મળેલી હાઈ-પ્રોફાઈલ બેઠકમાં સમિતિના સભ્યોએ સર્વાનુમતે નક્કી કર્યું કે આટલા મોટા અને ગંભીર પ્રભાવવાળા વિષય પર ઉતાવળ કરવાના બદલે હજુ વધુ ઊંડી ચર્ચાની જરૂર છે.
આ બિલ દેશના ઉચ્ચ બંધારણીય હોદ્દાઓ પર બેઠેલી વ્યક્તિઓ અને સમગ્ર રાજકીય માળખા પર સીધી અને વ્યાપક અસર કરનારું છે. સમિતિના અધ્યક્ષ અપરાજિતા સારંગીએ જણાવ્યું હતું કે, કોઈ પણ અંતિમ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તમામ હિસ્સેદારો (stakeholders) સાથે વ્યાપક પરામર્શ થવો જોઈએ તેવો સમિતિનો સર્વસંમતિપૂર્ણ મત હતો. પેનલે તાજેતરમાં જ સભ્યો વચ્ચે પોતાનો ડ્રાફ્ટ રિપોર્ટ ફેરવ્યો હતો, જેમાં પ્રસ્તાવિત કાયદાને લઈને પાંચ મહત્ત્વની ભલામણો સામેલ હતી. રસપ્રદ વાત એ છે કે, બેઠક દરમિયાન સભ્યોએ રિપોર્ટ સ્વીકારવાનો નિર્ણય લેતા પહેલા દરેક ભલામણ પર અલગ-અલગ મતદાન પણ કર્યું હતું, જે દર્શાવે છે કે પેનલ આ મામલે ફૂંકી-ફૂંકીને પગલાં ભરી રહી છે.
આ બેઠકમાં સૌથી મોટો રાજકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે વિપક્ષી નેતાઓ—ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) ના સાંસદ સુપ્રિયા સુલે—જેમણે અગાઉ આ ડ્રાફ્ટ રિપોર્ટ સામે પોતાની સખત અસંમતિ નોંધાવી હતી, તેમણે પોતાના અસંમતિ પત્રો પાછા ખેંચી લીધા હતા. સમિતિએ જ્યારે ઉતાવળ કરવાને બદલે રિપોર્ટને મુલતવી રાખીને વધુ ચર્ચા કરવાનો નિર્ણય લીધો, ત્યારે આ બંને નેતાઓએ પણ પેનલના વલણને આવકારીને સંમતિ દર્શાવી હતી. હવે આગામી દિવસોમાં આ સુધારા બિલ પર દેશના કાયદાકીય અને રાજકીય વર્તુળોમાં વધુ મોટું મંથન જોવા મળી શકે છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
