<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ડુંગળીના ભાવને લગામ આપવા કેન્દ્રનો મોટો ડોઝ: દિલ્હીને ૧,૦૦૦ મેટ્રિક ટન જથ્થો, ગ્રાહકોને કિલો માત્ર રૂ. ૩૫માં મળશે

બજારમાં રૂ. ૫૦થી ૬૦ની ડુંગળી સામે સરકારી રાહત: દિલ્હીના તમામ ૧૩ જિલ્લાઓમાં દુકાનો અને ફરતી ગાડીઓથી વેચાણ: વરસાદથી પાકને નુકસાન બાદ ભાવ ઉછળતાં સરકાર મેદાને: અનામત જથ્થામાંથી ડુંગળી છોડીને પુરવઠો વધારવાનો અને ભાવ ઠંડા કરવાનો પ્રયાસ

નવી દિલ્હી: દિલ્હીમાં ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્ર સરકાર રાજધાનીને ૧,૦૦૦ મેટ્રિક ટન ડુંગળી ઉપલબ્ધ કરાવશે અને ગ્રાહકોને તે રૂ. ૩૫ પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરતાં કહ્યું કે રાજધાનીના તમામ ૧૩ જિલ્લાઓમાં વાજબી ભાવની દુકાનો ઉપરાંત ફરતી વેચાણ ગાડીઓથી પણ ડુંગળી પહોંચાડવામાં આવશે.

તાજેતરના ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં ડુંગળીના પાક અને સંગ્રહિત માલને નુકસાન થતાં દિલ્હીના છૂટક બજારમાં ભાવ આશરે રૂ. ૫૦થી ૬૦ પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. કેન્દ્ર સરકારે ભાવનું દબાણ ઘટાડવા અનામત જથ્થામાંથી ડુંગળીનું તબક્કાવાર વેચાણ શરૂ કર્યું છે. નાફેડ, એનસીસીએફ, કેન્દ્રીય ભંડાર તથા ફરતી ગાડીઓ મારફતે રૂ. ૩૫ના ભાવે વેચાણ ચાલી રહ્યું છે.

મોટા ગ્રાહક કેન્દ્રો સુધી જથ્થો ઝડપથી પહોંચાડવા રેલવે અને માર્ગ પરિવહન બંનેનો ઉપયોગ થઈ રહ્યો છે. નાસિકથી વિશેષ ‘કાંદા એક્સપ્રેસ’ મારફતે પણ દિલ્હીમાં ડુંગળી મોકલવામાં આવી છે. સરકારનું કહેવું છે કે દેશમાં ડુંગળીની એકંદર ઉપલબ્ધતા પૂરતી છે અને આ હસ્તક્ષેપનો હેતુ અછત નહીં પરંતુ મોસમી ભાવવધારાને કાબૂમાં રાખવાનો છે.

(9:12 PM IST)