તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
લોરેન્સ બિશ્નોઈ પરની ડોક્યુમેન્ટ્રી પર કેન્દ્રની ‘બ્રેક’: પંજાબમાં કાયદો-વ્યવસ્થા બગડવાની ભીતિએ ‘લોરેન્સ ઓફ પંજાબ’ની રિલીઝ પર સરકારનો પ્રતિબંધ
Zee5 ને એડવાઈઝરી જારી: ગેંગસ્ટરનો મહિમા કરવાના આરોપ સાથે હાઈકોર્ટમાં થઈ હતી PIL; પંજાબ પોલીસે કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો

ચંદીગઢ: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના જીવન પર આધારિત વેબ સીરીઝ ‘લોરેન્સ ઓફ પંજાબ’ હવે વિવાદોના વંટોળમાં ફસાઈ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે (MoIB) શુક્રવારે મહત્વનો નિર્ણય લેતા OTT પ્લેટફોર્મ Zee5 ને આ શ્રેણી રિલીઝ ન કરવા માટે કડક નિર્દેશ આપ્યા છે. અગાઉ આ ડોક્યુમેન્ટ્રી ૨૭ એપ્રિલ, ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેનું પ્રસારણ અનિશ્ચિતકાળ માટે અટકી ગયું છે.
શું છે સમગ્ર વિવાદ?
કોંગ્રેસના સાંસદ અમરિંદર સિંહ રાજા વારિંગે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આ શ્રેણી વિરુદ્ધ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી હતી. તેમનો આરોપ હતો કે આ શો એક ખૂંખાર ગેંગસ્ટરનું ગૌરવગાન કરે છે, જેની પંજાબના યુવાધન અને રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર અત્યંત નકારાત્મક અસર પડી શકે છે. વારિંગે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી.
સરકારની કડક કાર્યવાહી
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ભારત સરકાર તરફથી વકીલોએ જાણ કરી હતી કે, પંજાબ પોલીસના DGPની વિનંતી અને રાજા વારિંગની રજૂઆતોને ધ્યાનમાં રાખીને Zee5 ને એડવાઈઝરી જારી કરવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આવી સામગ્રી સમાજના સામાજિક માળખા માટે જોખમી સાબિત થઈ શકે છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, જ્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલય જેવી સત્તા દ્વારા એડવાઈઝરી અપાય, ત્યારે પ્લેટફોર્મ માટે તેનું પાલન કરવું ફરજિયાત હોય છે.
પંજાબ પોલીસે માન્યો આભાર
આ નિર્ણય બાદ પંજાબ પોલીસે ટ્વીટ કરીને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, જવાબદાર સામગ્રીનું પ્રસારણ સુનિશ્ચિત કરવા અને રાજ્યમાં શાંતિ જાળવી રાખવા માટે મંત્રાલયનો આ નિર્ણય આવકારદાયક છે. હાલ પૂરતું લોરેન્સના જીવન પરની આ સિરીઝ ઠંડા બસ્તામાં મુકાઈ ગઈ છે, જે મનોરંજન જગતમાં ચર્ચાનો વિષય બની છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
