<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય: દેશભરમાં નવા લેબર કોડ લાગુ થતાં લાખો કામદારોને થશે મોટો ફાયદો

ઓવરટાઈમ પર મળશે બમણું વેતન અને મહિલાઓને સમાન કામ માટે સમાન પગાર

કેન્દ્ર સરકારે ૨૯ જૂના શ્રમ કાયદાઓ નાબૂદ કરી ચાર નવા લેબર કોડ અમલમાં મૂક્યા છે. હવે મજૂરો પાસે નિર્ધારિત સમય કરતાં વધુ કામ કરાવવા પર બમણું વેતન ચૂકવવું કંપનીઓ માટે ફરજિયાત બનશે.

 

નોકરીપેશા લોકો અને મજૂર વર્ગ માટે કેન્દ્ર સરકારે ઐતિહાસિક રાહતનો નિર્ણય લીધો છે. નવા શ્રમ કાયદાઓ અમલમાં આવતાં જ પગાર, રજાઓ અને કામના કલાકોમાં મોટા બદલાવ આવ્યા છે. હવે કોઈ પણ કર્મચારી પાસે સપ્તાહમાં ૪૮ કલાકથી વધુ કામ કરાવી શકાશે નહીં. જો કંપનીએ વધારાનું કામ કરાવવું હોય તો કર્મચારીની સહમતિ લેવી પડશે અને તે માટે બેગણું ઓવરટાઈમ વેતન ચૂકવવું પડશે. 

 

આ ઉપરાંત પગાર સમયસર અને સીધા બેંક ખાતામાં જમા કરાવવો પડશે, ચૂકવણીમાં વિલંબ થશે તો સંસ્થાન સામે કડક કાર્યવાહી થઈ શકે છે. 

 

નવા નિયમોમાં મહિલાઓ અને પુરુષોને સમાન કામ માટે સમાન વેતન આપવાની ફરજિયાત જોગવાઈ કરાઈ છે, જ્યારે ૪૦ વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓ માટે દર વર્ષે નિયમિત અને મફત સ્વાસ્થ્ય તપાસની સુવિધા પણ આપવી પડશે. 

 

આ કાયદાઓથી ઉદ્યોગજગત અને કામદારો વચ્ચે વધુ પારદર્શિતા આવશે. કોન્ટ્રાક્ટ અને ફિક્સ-ટર્મ પર કામ કરતા કર્મચારીઓને પણ હવે કાયમી કર્મચારીઓ સમાન સુવિધાઓ મળશે અને માત્ર એક વર્ષની નોકરી પછી તેઓ ગ્રેચ્યુઈટીના હકદાર બનશે. જોકે, તમામ કંપનીઓ આ નિયમોનું ઈમાનદારીથી પાલન કરે તે જોવું સરકાર માટે મોટો પડકાર રહેશે.

(11:17 AM IST)