News of Wednesday, 23rd September 2026
બાળ લગ્નના કુરિવાજ સામે કેન્દ્ર સરકારનું આકરું વલણ: ૨ ઓક્ટોબરે દરેક દેશની ગ્રામ પંચાયત ‘બાલવિવાહ-મુક્ત ગામ’નો ઠરાવ પસાર કરશે!
ગાંધી જયંતીના દિવસે દેશભરની ગ્રામસભાઓમાં પંચાયતો લેશે ઐતિહાસિક સંકલ્પ; માત્ર ઠરાવ નહીં પરંતુ કડક ચકાસણી બાદ જ મળશે 'બાલવિવાહ-મુક્ત ગામ'નું સત્તાવાર પ્રમાણપત્ર.

નવી દિલહી, તા.૨૩: દેશમાંથી બાળ લગ્નની સામાજિક બદીને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે કેન્દ્ર સરકારે એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી રાષ્ટ્રવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ પંચાયતી રાજ મંત્રાલયે સંયુક્ત રીતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે આવનારી ૨ ઓક્ટોબર (ગાંધી જયંતી) ના રોજ દેશભરની દરેક ગ્રામ પંચાયતમાં યોજાનારી ગ્રામસભાની બેઠકમાં પોતાના ગામને "બાલવિવાહ-મુક્ત ગામ" જાહેર કરતો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવે.
માત્ર કાગળ પરની જાહેરાત નહીં, કડક તપાસ બાદ મળશે સત્તાવાર સર્ટીફિકેટ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ગ્રામસભામાં ઠરાવ પસાર કરી દેવાથી ગામને બાલવિવાહ-મુક્ત ગણવામાં નહીં આવે. આ માટે એક પારદર્શક અને કડક પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે:
- ઠરાવ મંજૂરી: ૨ ઓક્ટોબરે ગ્રામસભામાં સરપંચ અને ગ્રામજનો દ્વારા કાયદેસર ઠરાવ પસાર કરવામાં આવશે.
- સ્થળ તપાસ અને ચકાસણી: ઠરાવ બાદ નિયુક્ત ‘બાલવિવાહ પ્રતિબંધ અધિકારી’ (Child Marriage Prohibition Officer) ગામની સ્થિતિની ગ્રાઉન્ડ લેવલે ચકાસણી કરશે.
- અંતિમ પ્રમાણપત્ર: ચકાસણી પૂર્ણ થયા બાદ જ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO), સરપંચ, પંચાયત સચિવ અને બાલવિવાહ પ્રતિબંધ અધિકારીની સંયુક્ત સહી સાથે ગામને સત્તાવાર પ્રમાણપત્ર એનાયત કરાશે.
ભારતમાં બાળ લગ્નના ચોંકાવનારા આંકડા
યુનિસેફ (UNICEF) ના એક ચોંકાવનારા રિપોર્ટ મુજબ, ભારતમાં દર વર્ષે ૧૮ વર્ષથી ઓછી વયની ૧૫ લાખથી વધુ છોકરીઓના લગ્ન કરાવી દેવામાં આવે છે. વિશ્વભરમાં થતા કુલ બાળ લગ્નોમાંથી ત્રીજા ભાગના કિસ્સા ભારતમાં નોંધાય છે. 'નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5' (NFHS-5) ના આંકડા અનુસાર, રાષ્ટ્રીય સ્તરે ૨૦ થી ૨૪ વર્ષની વયની ૨૩.૩% મહિલાઓના લગ્ન ૧૮ વર્ષની ઉંમર પહેલાં થઈ ગયા હતા.
‘ટીમ લાડો’ અને સ્થાનિક બાળ સુરક્ષા સમિતિઓની રચના
બાળ અધિકાર કાર્યકર સુનીલ જગલાનના 'સેલ્ફી વિથ ડોટર ફાઉન્ડેશન' અને 'બાલ આઝાદી અભિયાન' હેઠળ ગામડાઓમાં ‘ટીમ લાડો’ ની રચના કરવામાં આવી છે, જે બાળ લગ્નો અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય દરેક ગામમાં સક્રિય 'બાળ સુરક્ષા સમિતિ' અને 'લગ્ન રજિસ્ટર' ફરજિયાત કરવાનો છે, જેથી આ મહત્વાકાંક્ષી પહેલ કાગળ પર ન રહેતા બાળકીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
