<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

તહેવારોની સિઝનમાં ખાંડની સંગ્રહખોરી અટકાવવા કેન્દ્ર સરકારની લાલઆંખ: ૧૫ દિવસની સ્ટોક મર્યાદા સાથે નવા નિયમો જાહેર

ડીલરો માટે સુગર મિલથી માલ રાખવાની સમયમર્યાદા ઘટારીને ૧૫ દિવસ કરાઈ, ૧,૦૦૦ ક્વિન્ટલથી વધુ સ્ટોક રાખવા પર પ્રતિબંધ

નવી દિલ્હી : તહેવારોની આગામી સિઝન દરમિયાન દેશમાં ખાંડના કાળાબજાર અને સંગ્રહખોરીને ડામવા તથા ભાવ નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારના ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા સ્ટોક મર્યાદા અંગેના નવા કડક નિયમોની જાહેરાત કરવામાં આવી છે.

 

સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ હવેથી કોઈ પણ ડીલર સુગર મિલમાંથી ખાંડ ખરીદ્યા બાદ તેને મહત્તમ ૧૫ દિવસ સુધી જ પોતાની પાસે રાખી શકશે, જે મર્યાદા અગાઉ ૩૦ દિવસની હતી.

 

આ નવા નિયમો આગામી ૧૫ ઓક્ટોબરથી લાગુ થશે અને ૩૦ નવેમ્બર ૨૦૨૬ સુધી અમલમાં રહેશે, જે અંતર્ગત દેશમાં કોઈ પણ ડીલર ૧,૦૦૦ ક્વિન્ટલથી વધુ ખાંડનો જથ્થો રાખી શકશે નહીં.

 

જોકે, પૂર્વ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ખાંડના પુરવઠાની મહત્વની કડી સમાન કોલકાતા, તેના આસપાસના વિસ્તારો અને આસામ માટે આ સ્ટોક મર્યાદા ૨,૦૦૦ ક્વિન્ટલ નિર્ધારિત કરવામાં આવી છે.

 

સરકારી આંકડા અનુસાર ઓગસ્ટ મહિનાના ઉચ્ચ સ્તરથી ખાંડના સરેરાશ છૂટક ભાવમાં આશરે ૧૫ ટકા અને મિલના ભાવમાં ૨૮ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે, જેથી તહેવારો ટાણે સપ્લાય સુચારૂ રહે તે માટે વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે.

 

નવી સુગર સિઝનની શરૂઆત ૧ ઓક્ટોબરથી થઈ ચૂકી હોવાથી, દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારોમાં મીઠાઈઓ અને ખાદ્યપદાર્થોમાં ખાંડની વધતી માંગને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર દ્વારા સતત નિરીક્ષણ હાથ ધરવામાં આવશે.

(8:50 PM IST)