તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
હાઈવે અકસ્માતોમાં જીવ બચાવવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: દેશના દરેક ટોલ પ્લાઝા પર ૨૪x૭ તૈનાત રહેશે એમ્બ્યુલન્સ, '112' હેલ્પલાઈન સાથે થશે ઈન્ટીગ્રેશન
ગોલ્ડન અવરમાં જ ઘાયલોને મળશે ત્વરિત તબીબી સારવાર: કેન્દ્ર સરકાર ખરીદશે એમ્બ્યુલન્સ અને સંચાલન ખર્ચ પણ આપશે, રાજ્યો સંભાળશે સંચાલન

નવી દિલ્હી : રાષ્ટ્રીય ધોરીમાર્ગો (National Highways) પર થતા માર્ગ અકસ્માતોમાં ઈજાગ્રસ્તોને 'ગોલ્ડન અવર' દરમિયાન તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડીને અમૂલ્ય જીવ બચાવવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે એક મોટો અને મહત્વકાંક્ષી પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ યોજના હેઠળ દેશભરના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર આવેલા દરેક ટોલ પ્લાઝા પર ૨૪ કલાક એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે. આ સુવિધાને રાષ્ટ્રીય ઈમરજન્સી હેલ્પલાઈન નંબર '112' સાથે સીધી સાંકળી લેવામાં આવશે, જેથી અકસ્માતની જાણ થતાં જ ૧૦ મિનિટની અંદર એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી શકે.
દેશમાં ૧.૪૬ લાખ કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક પર અકસ્માતો ઘટાડવા સતત પ્રયાસો થઈ રહ્યા છે, છતાં દર વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ઈમરજન્સી મેડિકલ રેસ્પોન્સ સિસ્ટમને મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં દેશના આશરે ૧,૨૦૦ ટોલ પ્લાઝા પર NHAI ની દેખરેખ હેઠળ લગભગ ૫૦૦ એમ્બ્યુલન્સ કાર્યરત છે. હવે કેન્દ્ર સરકાર તમામ ટોલ પ્લાઝા માટે નવી એમ્બ્યુલન્સ ખરીદીને રાજ્ય સરકારોને સોંપશે.
કેન્દ્ર સરકાર આપશે તમામ ફંડ, રાજ્યો કરશે સંચાલન
માર્ગ પરિવહન મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ એમ્બ્યુલન્સ વાહનોની ખરીદીનો ખર્ચ અને તેના સંચાલનનો તમામ નાણાકીય બોજ કેન્દ્ર સરકાર પોતે વહન કરશે. રાજ્ય સરકારોએ માત્ર તેનું સંચાલન સંભાળવાનું રહેશે અને તેને પોતાની '112' ઈમરજન્સી સર્વિસ સિસ્ટમ સાથે જોડવાની રહેશે. જે વિસ્તારોમાં ટોલ ગેટ નથી, ત્યાં પણ જરૂરિયાત મુજબ એમ્બ્યુલન્સ પોઈન્ટ બનાવવામાં આવશે. આ યોજના માટેની વિગતવાર માર્ગદર્શિકા અને નિયમો ટૂંક સમયમાં જારી કરવામાં આવશે, જેનાથી નેશનલ હાઈવે પર મુસાફરી કરતા કરોડો વાહનચાલકોની સુરક્ષામાં મોટો વધારો થશે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
