તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
પેપર લીક મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : આગામી વર્ષથી NEETની પરીક્ષા OMR શીટને બદલે ઓનલાઇન લેવાશે
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની મહત્વની જાહેરાત : એજ્યુકેશન માફિયાઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ : ૨૦૨૬ના પેપર લીક બાદ ક્ષતિઓ સુધારવા પરીક્ષા પદ્ધતિમાં ધરખમ ફેરફાર

નવી દિલ્હી : દેશભરમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UGમાં થયેલા પેપર લીક વિવાદ બાદ કેન્દ્ર સરકારે પરીક્ષા પદ્ધતિમાં મૂળભૂત ફેરફાર કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી શૈક્ષણિક વર્ષથી NEETની પરીક્ષા પરંપરાગત OMR શીટને બદલે સંપૂર્ણપણે 'કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ' (CBT) એટલે કે ઓનલાઇન મોડમાં લેવામાં આવશે. ૨૦૨૬ની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ બન્યું હતું, જેને રોકવા માટે આ ટેકનોલોજીકલ કદમ ઉઠાવવામાં આવ્યું છે.
નવી પરીક્ષાની તારીખ જાહેર અને કડક ચેતવણી:
શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રદ થયેલી પરીક્ષા હવે આજથી અંદાજે એક મહિના બાદ ફરીથી લેવામાં આવશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે સરકાર પરીક્ષામાં થતી ગેરરીતિઓ ચલાવી લેશે નહીં. આ એજ્યુકેશન માફિયાઓ અને અસામાજિક તત્વો સામે લાંબી લડાઈ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ભ્રમિત કરનારી માહિતી ફેલાવનારા અને પરીક્ષા પ્રક્રિયામાં અવરોધ ઊભો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પેપર લીકની તપાસ CBIને સોંપાઈ:
સરકારે આ સમગ્ર મામલે પોતાની જવાબદારી સ્વીકારી છે અને પેપર લીકની તપાસ તાત્કાલિક સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપી દીધી છે. ધર્મેન્દ્ર પ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તપાસ એજન્સીઓ આ પ્રકરણના મૂળ સુધી પહોંચશે. સરકારના તમામ વિભાગો અને ટોચનું નેતૃત્વ આ પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહ્યું છે. જે તત્વો આગામી પરીક્ષામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેમને કડકમાં કડક સજા ભોગવવી પડશે.
સમિતિઓની રચના અને વહીવટી સુધારા:
પુનઃપરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે યોજાયેલી પ્રથમ બેઠકમાં મંત્રાલય દ્વારા ખાસ સમિતિઓની રચના કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સમિતિઓ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે બનાવવામાં આવશે, જેમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ માટે ૧૨થી ૧૫ સભ્યો અને ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ માટે ૨૦થી ૨૫ સભ્યોની ટીમ નિરીક્ષણ કરશે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં કોઈપણ પ્રકારની સુરક્ષા ક્ષતિને અટકાવવાનો છે.
ગેરમાર્ગે દોરતી માહિતીથી બચવા અપીલ:
શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી હતી કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહે. ટેકનોલોજીના યુગમાં નવા પડકારો સામે આવી રહ્યા છે, પરંતુ સરકાર પારદર્શક પરીક્ષા પ્રક્રિયા માટે મક્કમ છે. આગામી સમયમાં ઓનલાઇન પરીક્ષા પદ્ધતિ અમલમાં આવવાથી પેપર લીક જેવી સમસ્યાઓ પર કાયમી અંકુશ મેળવી શકાશે તેવી ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે. તમામ વિભાગોને આગામી એક મહિનામાં યોજાનારી પરીક્ષા માટે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
