તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
વિદેશ યાત્રા કરતા બાળકો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ૧૫ વર્ષથી નાની વયના બાળકોના પાસપોર્ટ નિયમોમાં MEA એ કર્યો મહત્વનો સુધારો, નવી ફી પણ થઈ જાહેર
'પાસપોર્ટ (સુધારા) નિયમો, ૨૦૨૬' ગેઝેટમાં પ્રકાશિત; હવે બાળકોના પાસપોર્ટ ૫ વર્ષ અથવા ૧૮ વર્ષની ઉંમર સુધી - જે વહેલું હોય ત્યાં સુધી માન્ય રહેશે

નવી દિલ્હી, તા.૧૮: પરદેશ પ્રવાસ કે અભ્યાસ અર્થે જતાં બાળકો અને તેમના વાલીઓ માટે વિદેશ મંત્રાલય (MEA) દ્વારા એક મહત્વપૂર્ણ કાનૂની સુધારો જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 'પાસપોર્ટ નિયમો, ૧૯૮૦' માં સુધારો કરીને 'પાસપોર્ટ (સુધારા) નિયમો, ૨૦૨૬' અમલી બનાવ્યા છે. નવા સુધારેલા નિયમ ૧૨(૧A) અનુસાર, ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જારી કરાયેલો ૩૬-પાનાનો સામાન્ય પાસપોર્ટ હવે જારી થયાની તારીખથી ૫ વર્ષ માટે અથવા બાળક ૧૮ વર્ષની વય પ્રાપ્ત કરે ત્યાં સુધી – આ બંનેમાંથી જે સમયગાળો વહેલો પૂરો થાય – ત્યાં સુધી જ માન્ય ગણાશે.
વિદેશ મંત્રાલય દ્વારા ૧૭ સપ્ટેમ્બરે 'ભારતના ગેઝેટ' (Gazette of India) માં સત્તાવાર સૂચના પ્રકાશિત કરીને આ નવા નિયમની જાહેરાત કરવામાં આવી છે. આ સુધારાની સાથે સાથે સરકારે પાસપોર્ટ માટેની અરજી ફી સંબંધિત નિયમ ૮ માં પણ ફેરફાર કર્યો છે, જે હેઠળ હવે દરેક શ્રેણીની અરજી માટે ચૂકવવાપાત્ર નવી ફી 'અનુસૂચિ IV' (Schedule IV) માં નિર્દિષ્ટ કર્યા મુજબ આકારવામાં આવશે. આ તમામ સુધારેલા નિયમો ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી જ સમગ્ર દેશમાં તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે બાળકોમાં સમય જતાં ચહેરાના લક્ષણો ઝડપથી બદલાતા હોવાથી અને સુરક્ષા તથા ઓળખના માપદંડોને વધુ સચોટ બનાવવા માટે સરકારે પાસપોર્ટની સમયમર્યાદા અંગે આ કાનૂની ફેરફાર કર્યો છે. અગાઉ જૂન ૨૦૨૬ માં પણ પાસપોર્ટ નિયમોમાં આંશિક સુધારો કરાયો હતો, પરંતુ તાજેતરના આ નિર્ણયથી હવેથી સગીર વયના બાળકો માટે પાસપોર્ટ રિન્યુઅલ અને અરજી પ્રક્રિયામાં સ્પષ્ટતા આવી ગઈ છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
