News of Wednesday, 21st October 2026
ટીવી ન્યૂઝ ચેનલો માટે કેન્દ્ર સરકારની કડક ગાઇડલાઇન જાહેર: ઉશ્કેરણીજનક ડિબેટ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગ અને રાષ્ટ્રવિરોધી સામગ્રી પ્રસારિત કરવા પર લગામ
માહિતી અને પ્રસારણ મંત્રાલયે સેટેલાઇટ ટીવી ચેનલો માટે જારી કરી નવી કડક એડવાઇઝરી; આંતર-મંત્રી કમિટીની ભલામણો બાદ કાયદાકીય જોગવાઈઓનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહીની ચીમકી.

નવી દિલ્હી : દેશની પ્રાઇવેટ સેટેલાઇટ ટીવી ચેનલો માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક એડવાઇઝરી જારી કરવામાં આવી છે. મંત્રાલય દ્વારા ચેનલોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ લાઈવ ડિબેટ્સ અને ચર્ચા કાર્યક્રમો દરમિયાન રાષ્ટ્રવિરોધી સામગ્રી કે ઉશ્કેરણીજનક ભાષાનો પ્રસાર કરવાનું ટાળે. કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ, 1995 અને સંબંધિત નિયમોના પ્રોગ્રામ કોડનું ચુસ્તપણે પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી પ્રસારણ દરમિયાન પારદર્શિતા અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે.
મંત્રાલયના ધ્યાને આવ્યું હતું કે કેટલીક ચેનલો દ્વારા નિયમો વિરુદ્ધ જઈને સેન્સેશનલ અને અસંયમિત ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. નવી ગાઇડલાઇન મુજબ, આતંકવાદ વિરોધી ઓપરેશન્સનું લાઈવ કવરેજ કરતી વખતે, હિંસક દ્રશ્યો બતાવતી વખતે, કુદરતી આફતોના કવરેજમાં તેમજ સેક્સ્યુઅલ અસૉલ્ટ પીડિતોની ઓળખ છુપાવવાના મામલે વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય છે. આ સાથે જ લાઈવ પેનલ ડિબેટ્સમાં સાંપ્રદાયિક કે દેશવિરોધી મનોવૃત્તિને પ્રોત્સાહન ન મળે તેની ખાતરી કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
વધુમાં, ટેલિવિઝન પ્રસારણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને જનરેટિવ AI ના વધતા ઉપયોગને લઈને પણ કડક ચેતવણી આપવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ન્યૂઝ પ્રોગ્રામ્સ, ગ્રાફિક્સ કે વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશનમાં AI નો ઉપયોગ માત્ર સહાયક ક્ષમતા પૂરતો જ મર્યાદિત રહેવો જોઈએ, જેનાથી સમાચારોની સચોટતા, અધિકૃતતા અને સંવેદનશીલતા પર કોઈ વિપરીત અસર ન પડે. તમામ બ્રોડકાસ્ટર્સે તેમની એડિટોરિયલ અને કન્ટેન્ટ-રીવ્યુ સિસ્ટમને વધુ મજબૂત બનાવીને કર્મચારીઓને પ્રશિક્ષિત કરવા જણાવાયું છે, અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય પગલાં લેવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
