News of Monday, 1st June 2026
કેન્દ્ર સરકારે 'પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ' યોજનાને માર્ચ 2030 સુધી લંબાવાઈ :નાના ધંધાર્થીઓને મળશે ગેરેન્ટી વિના લોન
નાના લારી-ગલ્લા ધારકો, રેહડી-પટરી વાળા અને ફેરિયાઓને આર્થિક મદદ પૂરી પાડવા માટે શરૂ કરાયેલી આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના નાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે

નવી દિલ્હી :કેન્દ્રની મોદી સરકારે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા અને દેશના અસંગઠિત ક્ષેત્રના નાના વ્યવસાયોને મજબૂત કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે 'પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ' યોજનાને માર્ચ 2030 સુધી લંબાવવાની જાહેરાત કરી છે. કોરોના મહામારી દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલા નાના લારી-ગલ્લા ધારકો, રેહડી-પટરી વાળા અને ફેરિયાઓને આર્થિક મદદ પૂરી પાડવા માટે શરૂ કરાયેલી આ યોજના હવે આગામી વર્ષો સુધી ગરીબ અને મધ્યમ વર્ગના નાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં દેશભરમાં 75.5 લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સે આ યોજનાનો સીધો લાભ લીધો છે. આ લાભાર્થીઓ માટે અંદાજે 112 લાખથી વધુ લોન મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગત કુલ 17,800 કરોડ રૂપિયાથી વધુની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમયસર લોનની ચુકવણી કરનારા વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે વ્યાજ સબસિડી અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેશબેક તરીકે લગભગ 800 કરોડ રૂપિયા પણ ચૂકવ્યા છે.
PM સ્વાનીધિ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં લોન લેવા માટે નાના વેપારીઓએ કોઈપણ પ્રકારની ગેરંટી (કોલેટરલ) આપવી પડતી નથી. આ યોજના અંતર્ગત ત્રણ તબક્કામાં લોન આપવામાં આવે છે. પ્રથમ વખત અરજી કરવા પર 15,000 રૂપિયાની લોન મળે છે. આ લોન સફળતાપૂર્વક ચૂકવ્યા બાદ, બીજા તબક્કામાં 25,000 રૂપિયા અને ત્રીજી વખત 50,000 રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે વેપારીઓ સમયસર લોન ચૂકવે છે, તેમને વાર્ષિક 7 ટકાની વ્યાજ સબસિડી પણ મળે છે, જે તેમના બેંક ખાતામાં સીધી જમા થાય છે.
આ યોજના માત્ર લોન આપવા પૂરતી સીમિત નથી, પરંતુ તે દેશના નાના વેપારીઓને ડિજિટલ અર્થતંત્ર સાથે જોડી રહી છે. ડિજિટલ વ્યવહારો અપનાવવા બદલ સ્ટ્રીટ વેન્ડર્સને વાર્ષિક 1600 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 15 લાખથી વધુ વેન્ડર્સે 841 કરોડથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કર્યા છે, જેનું કુલ મૂલ્ય આશરે 8.96 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. આ ઉપરાંત, યોગ્યતા ધરાવતા લાભાર્થીઓને 30,000 રૂપિયા સુધીનું યુપીઆઈ-લિંક્ડ રુપે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવી રહ્યું છે..
આ યોજના સામાજિક સમાનતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની છે. યોજનાના કુલ લાભાર્થીઓમાંથી લગભગ 46 ટકા મહિલાઓ છે, જે દર્શાવે છે કે આ યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત, આશરે 70 ટકા લાભાર્થીઓ સમાજના વંચિત અને નબળા વર્ગમાંથી આવે છે. સરકારની 'સ્વાનીધિ સે સમૃદ્ધિ' પહેલ હેઠળ 50 લાખથી વધુ પરિવારોને કેન્દ્ર સરકારની અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે પણ સાંકળવામાં આવ્યા છે.
વિવિધ સ્વતંત્ર અભ્યાસો અને સર્વેક્ષણો અનુસાર, PM સ્વાનીધિ યોજનાના કારણે લાભાર્થીઓની વાર્ષિક આવકમાં સરેરાશ 20 ટકાનો વધારો નોંધાયો છે. સૌથી મોટી સફળતા એ છે કે લગભગ 95 ટકા લાભાર્થીઓ એવા છે જેમણે પોતાના જીવનમાં પહેલીવાર કોઈ ઔપચારિક બેંકિંગ સંસ્થામાંથી લોન મેળવી છે. આનાથી દેશમાં ફાયનાન્સિયલ ઇન્ક્લુઝન (નાણાકીય સમાવેશન) ને એક અભૂતપૂર્વ મજબૂતી મળી છે અને વ્યાજખોરોના ચુંગાલમાંથી ગરીબોને મુક્તિ મળી છે. માર્ચ 2030 સુધી આ યોજના લંબાવાતા આગામી દિવસોમાં કરોડો અન્ય ફેરિયાઓ આત્મનિર્ભર બની શકશે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
