<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ચૂંટણી અને આઈપીએલ પર સટ્ટાબાજીનું જોખમ વધતા કેન્દ્ર સરકાર એક્શનમાં : કાલશી અને પોલીમાર્કેટ જેવી પ્રેડિક્શન માર્કેટ એપ્સ પર પ્રતિબંધની તૈયારી

વીપીએન અને પેમેન્ટ ચેનલો દ્વારા ચાલતા ખેલને રોકવો સરકાર માટે 'વ્હેક-એ-મોલ' જેવો પડકાર બન્યો : ઓનલાઇન ગેમિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહીના સંકેત આપતા આઈટી સચિવ એસ કૃષ્ણન

નવી દિલ્હી:ભારતમાં ચૂંટણીના માહોલ અને આઈપીએલ જેવી મોટી ટુર્નામેન્ટ્સ વચ્ચે ઓનલાઇન સટ્ટાબાજી અને પ્રેડિક્શન માર્કેટનો ક્રેઝ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય હવે વિદેશી પ્રેડિક્શન માર્કેટ પ્લેટફોર્મ્સ જેવા કે કાલશી (Kalshi) અને પોલીમાર્કેટ (Polymarket) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સરકારનું માનવું છે કે આ પ્લેટફોર્મ્સ ભારતના પ્રવર્તમાન ઓનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજીના કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે.

 

ગેરકાયદે પ્લેટફોર્મ્સ પર નજર:

આઈટી સચિવ એસ કૃષ્ણન દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, સરકાર સતત એવા પ્લેટફોર્મ્સનું નિરીક્ષણ કરી રહી છે જે ભારતીય યૂઝર્સને સટ્ટાબાજીની સુવિધા આપી રહ્યા છે. ૨૨ એપ્રિલના રોજ આઈટી મંત્રાલયે ઓનલાઇન ગેમિંગ એક્ટના નિયમો જાહેર કર્યા છે, જે હેઠળ આ પ્રકારની વિદેશી એપ્સ પર પ્રતિબંધ હોવા છતાં ભારતીય યૂઝર્સ તેનો ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે પણ આવી પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવે છે ત્યારે સરકાર તત્કાલ પગલાં ભરે છે, પરંતુ ટેક્નોલોજીના કારણે અમલીકરણમાં અવરોધો આવી રહ્યા છે.

 

વીપીએનનો દુરુપયોગ મોટો પડકાર:

સરકાર માટે સૌથી મોટી મુશ્કેલી વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) બની રહ્યું છે. એસ કૃષ્ણન જણાવે છે કે વીપીએન પોતે ગેરકાયદે નથી, પરંતુ તેના દ્વારા પ્રતિબંધિત સાઇટ્સ કે એપ્સ એક્સેસ કરવી એ ચિંતાનો વિષય છે. યૂઝર્સ પોતાની ઓળખ છુપાવીને આ પ્લેટફોર્મ્સ પર નાણાં લગાવે છે. સરકારે આ સ્થિતિને 'વ્હેક-એ-મોલ' (એક જગ્યાએથી દબાવો તો બીજી જગ્યાએથી બહાર આવવું) સાથે સરખાવી છે. કારણ કે એક ડોમેન બ્લોક કરવામાં આવે તો આ પ્લેટફોર્મ્સ નવા ડોમેન, મિરર સાઇટ્સ કે એન્ક્રિપ્ટેડ ચેનલો દ્વારા ફરી સક્રિય થઈ જાય છે.

 

ચૂંટણી અને ખેલ જગત પર સટ્ટો:

હાલમાં દેશમાં ચૂંટણીનો માહોલ હોવાથી અને સાથે જ આઈપીએલ જેવી હાઈ-પ્રોફાઈલ ટુર્નામેન્ટ ચાલતી હોવાથી પ્રેડિક્શન માર્કેટમાં ઉછાળો આવ્યો છે. લોકો ચૂંટણીના પરિણામો અને મેચોના પરિણામો પર મોટા પાયે જોખમ ઉઠાવી રહ્યા છે. પેમેન્ટ ચેનલોને ટ્રેક કરવી પણ જટિલ બની રહી છે. આ પરિસ્થિતિને જોતા આઈટી મંત્રાલય હવે આ એપ્સના એક્સેસને કાયમી ધોરણે કેવી રીતે રોકી શકાય અને વીપીએન દ્વારા થતા ઉલ્લંઘનો સામે કેવી રીતે હસ્તક્ષેપ કરી શકાય તે અંગે ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. ઓનલાઇન ગેમિંગના નવા નિયમો અમલી બનતા આગામી દિવસોમાં આ પ્લેટફોર્મ્સ સામે મોટા પાયે કાર્યવાહી થઈ શકે છે.

(11:06 PM IST)