<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

એફસીઆરએ (FCRA) નિયમોમાં કેન્દ્રનો મોટો ફેરફાર: વિદેશી ફંડ મેળવતી એનજીઓ (NGO) માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વેબસાઇટની વિગતો જાહેર કરવી હવે ફરજિયાત, ઓડિટમાં પણ રહેશે કડક નજર

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પારદર્શિતા વધારવા માટે લીધો મોટો આકરો નિર્ણય; રજીસ્ટ્રેશન અને વાર્ષિક રિટર્ન ફાઇલ કરતી વખતે ડિજિટલ પ્લેટફોર્મની તમામ માહિતી આપવી પડશે

નવી દિલ્હી : દેશમાં વિદેશી નાણાં કે ફંડિંગ મેળવતી બિન-સરકારી સંસ્થાઓ (NGOs) પર કેન્દ્ર સરકાર દ્વારા કાયદાકીય સિકંજો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) હેઠળ એક નવો આદેશ જારી કરીને તમામ એનજીઓ માટે તેમની સત્તાવાર વેબસાઇટ અને તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સ (એકાઉન્ટ્સ) ની વિગતો સત્તાવાર રીતે જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું છે. હવેથી કોઈ પણ એનજીઓ જ્યારે નવું રજીસ્ટ્રેશન કરાવશે, રજીસ્ટ્રેશનનું રીન્યુઅલ કરાવશે અથવા તેમના વાર્ષિક ઓડિટ રિપોર્ટ્સ સબમિટ કરશે, ત્યારે તેમણે પોતાના તમામ ડિજિટલ પ્લેટફોર્મની માહિતી સરકારને આપવી પડશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા લાવવામાં આવેલા આ નવા સુધારાનો મુખ્ય હેતુ વિદેશી ફંડના નામે દેશમાં થતી નાણાકીય ગેરરીતિઓ રોકવાનો અને સંસ્થાઓની કામગીરીમાં સંપૂર્ણ પારદર્શિતા (Transparency) લાવવાનો છે. સરકારનું માનવું છે કે ઘણી સંસ્થાઓ ઓનલાઈન માધ્યમો અને સોશિયલ મીડિયા દ્વારા મોટા પાયે પ્રચાર કે ફંડિંગ એકત્રિત કરે છે, જેનો સત્તાવાર રેકોર્ડ ઓડિટ દરમિયાન મળતો નથી. હવે આ નવા નિયમ બાદ શંકાસ્પદ ડિજિટલ પ્રવૃત્તિઓ પર નજર રાખવી એજન્સીઓ માટે સરળ બનશે.

ઓડિટ અને રિટર્ન ફાઇલિંગ પ્રક્રિયા પણ વધુ કડક બની

નવા નોટિફિકેશન અનુસાર, આ નિયમ માત્ર નવી સંસ્થાઓ માટે જ નહીં પરંતુ જેઓ વર્ષોથી એફસીઆરએ લાયસન્સ ધરાવે છે તેમના પર પણ સમાન રીતે લાગુ થશે. વાર્ષિક રિટર્ન (Annual Returns) ફાઇલ કરતી વખતે એનજીઓએ સ્પષ્ટ કરવું પડશે કે તેઓ કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છે અને તેમની વેબસાઇટ પર કઈ કઈ વિગતો મૂકવામાં આવે છે. જો કોઈ સંસ્થા આ માહિતી છુપાવશે અથવા ખોટી વિગતો આપશે, તો તેનું એફસીઆરએ લાઇસન્સ તાત્કાલિક ધોરણે રદ (Cancel) કરવા સુધીની આકરી કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારે નિયમોના ઉલ્લંઘન બદલ દેશની હજારો એનજીઓના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે. આ નવા કડક માપદંડો બાદ હવે વિદેશી સહાય પર નિર્ભર શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક ટ્રસ્ટોએ પોતાના તમામ ઓનલાઈન આંકડાઓ અને પ્રોજેક્ટ્સની વિગતો સરકાર સમક્ષ જાહેર કરવી જ પડશે, જેથી રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક શિસ્ત જળવાઈ રહે.

FCRA ડિજિટલ મેન્ડેટ હાઇલાઇટ્સ:

· નવો આદેશ: વિદેશી ફંડ મેળવતી દરેક એનજીઓ માટે વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો આપવી ફરજિયાત.

· તમામ તબક્કે નિયમ: આ માહિતી રજીસ્ટ્રેશન, રીન્યુઅલ અને વાર્ષિક ઓડિટ ફાઇલિંગ વખતે સબમિટ કરવાની રહેશે.

· પારદર્શિતા પર ભાર: ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા થતી પ્રવૃત્તિઓ અને નાણાકીય વ્યવહારો પર ગૃહ મંત્રાલય સીધી નજર રાખશે.

· કડક સજા: નિયમોનું પાલન ન કરનાર કે વિગતો છુપાવનાર સંસ્થાઓનું વિદેશી ફંડિંગ મેળવવાનું લાઇસન્સ રદ થઈ શકે છે.

 

(9:04 PM IST)