તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
બંગાળમાં સત્તાનું કેન્દ્ર બદલાશે: શું ભાજપ ફરી 'રાઈટર્સ બિલ્ડિંગ'થી કરશે શાસન? મમતા બેનર્જીએ જે વારસો છોડ્યો હતો તેની ચમક પાછી લાવવાની તૈયારી
ક્રાંતિકારીઓની શહાદતનું સાક્ષી અને બંગાળની ઓળખ સમાન 'લાલ કોઠી'માં ફરી ધમધમશે મુખ્યમંત્રી કાર્યાલય: શું સુવેન્દુ અધિકારી જૂની પરંપરા જીવંત કરશે?

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટા ઉલટફેર બાદ હવે સત્તાના પ્રતીકો પણ બદલાવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, રાજ્યમાં ભાજપ સરકારના આગમન સાથે જ સરકારનું હેડક્વાર્ટર ફરીથી ઐતિહાસિક ‘રાઈટર્સ બિલ્ડિંગ’માં શિફ્ટ થઈ શકે છે. મમતા બેનર્જીએ સીએમ બન્યા બાદ સચિવાલયને અહીંથી હટાવીને 'નબન્ના'માં ખસેડ્યું હતું, પરંતુ હવે નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં આ ભવ્ય ઈમારતની જૂની રોનક પાછી આવે તેવી શક્યતા છે.
રાઈટર્સ બિલ્ડિંગનો ઈતિહાસ ૧૭૭૭થી શરૂ થાય છે, જ્યારે બ્રિટિશ શાસન દરમિયાન થોમસ લિયોને આ ઈમારતની ડિઝાઈન તૈયાર કરી હતી. શરૂઆતમાં અહીં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જુનિયર ક્લાર્ક એટલે કે 'રાઈટર્સ' બેસતા હતા, જેના પરથી તેનું નામ પડ્યું. આ ઈમારત માત્ર ઈંટોનું માળખું નથી, પણ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું જીવંત પ્રતીક છે. આ જ બિલ્ડિંગની સામે બિનોય, બાદલ અને દિનેશ નામના ત્રણ ક્રાંતિકારીઓની મૂર્તિઓ આવેલી છે, જેમણે ૧૯૩૦માં બ્રિટિશ અધિકારી સિમ્પસનનો વધ કરીને 'બેટલ ઓફ રાઈટર્સ' ખેલી હતી.
બંગાળના રાજકારણમાં આ ઈમારત 'લાલ કોઠી' તરીકે જાણીતી છે. ૧૯૯૩માં મમતા બેનર્જી જ્યારે યુથ કોંગ્રેસના નેતા હતા, ત્યારે અહીં જ્યોતિ બસુની સરકાર સામે ધરણા દરમિયાન તેમની સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે તે અપમાન બાદ મમતાએ શપથ લીધા હતા કે તેઓ ડાબેરી શાસનને હરાવીને જ અહીં પગ મૂકશે. સત્તામાં આવ્યા બાદ તેમણે વહીવટી કામકાજને નબન્નામાં ખસેડી દીધું હતું અને રાઈટર્સ બિલ્ડિંગના જીર્ણોદ્ધારની કામગીરી શરૂ કરાવી હતી.
લગભગ ૫૫ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી આ હેરિટેજ ઈમારત તેની ફ્રેન્ચ શૈલીની કોતરણી અને ગ્રીક-રોમન દેવતાઓની મૂર્તિઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભાજપ હવે આ ઈમારતની ઐતિહાસિક ગરિમા અને ક્રાંતિકારી વારસાને કેન્દ્રમાં રાખીને બંગાળ પર રાજ કરવાની વ્યૂહરચના બનાવી રહ્યું છે. જો બધું યોજના મુજબ ચાલશે, તો કોલકાતાની આ આઈકોનિક ઓળખ ફરી એકવાર રાજ્યના પાવર સેન્ટર તરીકે ધમધમતી જોવા મળશે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
