તા. ૬ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૫ શુક્રવાર
News of Friday, 27th November 2026
અમેરિકામાં થેંક્સગિવિંગની ઉજવણી પર વાવાઝોડાનો કહેરઃ ૯ લાખ ઘરોમાં અંધારપટ : ૪૦૦થી વધુ ફ્લાઇટસ રદ
૧૦૦ વર્ષમાં પ્રથમવાર મેસીની પરેડ સ્થગિતઃ ૧૦૦ કિમી કલાકની ઝડપે આવેલા વાવાઝોડાએ કરોડોના ઘરો અને વાહનો તણાઈ ગયા : પેન્સિલવેનિયા-વર્જિનિયામાં વીજળી ગુલઃ ન્યૂજર્સીમાં કટોકટી જાહેરઃ ૨,૨૦૦થી વધુ ફ્લાઇટ્સ મોડી પડતાં લાખો મુસાફરો રઝળી પડયા

વોશિંગ્ટન, તા.૨૭: અમેરિકામાં ‘થેંક્સગિવિંગ'ના તહેવારની ઉજવણી વચ્ચે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દેશના પૂર્વીય અને મધ્યપશ્ચિમ ભાગોમાં ત્રાટકેલા ભયંકર વાવાઝોડા, મુશળધાર વરસાદ અને દરિયાકાંઠાના પૂરે જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. આ કુદરતી આફતને કારણે ૯ લાખથી વધુ ઘરો અને વ્યવસાયોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જ્યારે હવાઈ મુસાફરી ઠપ થતાં ૪૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે.
ભારે પવન અને ખરાબ હવામાનના જોખમને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કની જગવિખ્યાત વાર્ષિક ‘મેસીની થેંક્સગિવિંગ પરેડ' શનિવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. આ પરેડના વિશાળકાય ફુગ્ગાઓ મુખ્ય આકર્ષણ હોય છે, પરંતુ તેજ પવનને કારણે અકસ્માતનો ભય હોવાથી આ નિર્ણય લેવાયો છે. પરેડના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં હવામાનને કારણે તે મુલતવી રાખવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે (અગાઉ માત્ર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્રણ વર્ષ પરેડ બંધ રહી હતી). આયોજકોએ કલાકારો અને દર્શકોની સુરક્ષાને સર્વોપરી ગણાવી છે. ઉલ્લેખનીય છે કે ૧૯૯૭માં ભારે પવનને કારણે ૧૮ ફૂટ ઊંચું ‘કેટ ઇન ધ હેટ' બલૂન લેમ્પપોસ્ટ સાથે અથડાતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ બેભાન થઈ ગઈ હતી, જેવી દુર્ઘટના ટાળવા આ તકેદારી લેવાઈ છે.
વીજળીની સ્થિતિ પર નજર રાખતી વેબસાઇટ ‘પાવરઆઉટેજ'ના આંકડા મુજબ, ભારે પવન અને વરસાદથી જમીન પોચી પડતા ઠેર-ઠેર વળક્ષો ઘરો અને વીજળીની લાઇનો પર ધરાશાયી થયા છે. જેના પરિણામે ૯,૦૦,૦૦૦થી વધુ ગ્રાહકો અંધારામાં ધકેલાયા છે. સૌથી વધુ ગંભીર અસર પેન્સિલવેનિયા, મેરીલેન્ડ અને વર્જિનિયામાં જોવા મળી છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા ન્યૂ જર્સીના ગવર્નર મિકી શેરિલે કટોકટીની સ્થિતિ (સ્ટેટ ઓફ ઇમરજન્સી) જાહેર કરી છે અને નાગરિકોને તૂટેલા વીજ વાયરોથી દૂર રહેવા તથા ફોન ચાર્જ રાખવા અપીલ કરી છે. બીજી તરફ, મેરીલેન્ડમાં પાણી પુરવઠો ખોરવાવાની આશંકાએ અંદાજે ૨૦ લાખ લોકોને નળના પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા સૂચના અપાઈ છે અને જોરદાર પવનને કારણે અનેક મોટા પુલ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે.
અમેરિકન ઓટોમોબાઇલ એસોસિએશનના અંદાજ મુજબ, થેંક્સગિવિંગની રજાઓમાં ૮૧.૫ મિલિયન (૮ કરોડથી વધુ) અમેરિકનો મુસાફરી કરવાના હતા. પરંતુ તોફાને મુસાફરોના આયોજન પર પાણી ફેરવી દીધું છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ઁફ્લાઇટઅવેરઁ અનુસાર, ગુરુવારે સમગ્ર અમેરિકામાં ૪૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે અને ૨,૨૦૦થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે, જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે. માત્ર પૂર્વી જ નહીં, પશ્ચિમ અમેરિકાના કેલિફોર્નિયામાં પણ દરિયાના ઊંચા મોજાઓને કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને સાન ફ્રાન્સિસ્કોમાં ભારે વરસાદ નોંધાયો છે.
વ્યાપક તબાહી અને વીજળી ગુલ થવા છતાં લોકોએ ઉત્સાહ જાળવી રાખ્યો હતો. સેલિબ્રિટી શેફ જોસ એન્ડ્રેસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ વીજળી વિના મીણબત્તીના અજવાળે ગેસ સ્ટવ પર લોબસ્ટર રાંધીને થેંક્સગિવિંગની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. હાલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.(૨૩.૭)
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
