તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
સી.ઈ.સી. જ્ઞાનેશ કુમારને મોટો ઝટકો : ૨૦ વર્ષ જૂના ભ્રષ્ટાચારના કેસમાં વિજિલન્સ તપાસના આદેશ
કેરળમમાં PWD સચિવ તરીકેના કાર્યકાળ દરમિયાન ગેરરીતિ અને એન્જિનિયરના આપઘાત કેસમાં કથિત બાહ્ય દબાણ અંગે કોંગ્રેસ નેતાની ફરિયાદ બાદ ગૃહમંત્રી રમેશ ચેન્નિતલાએ આપી મંજૂરી

તિરુવનંતપુરમ:ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ૨૦ વર્ષ જૂના ભ્રષ્ટાચાર અને ગેરરીતિના એક કેસમાં કેરળમ સરકારે તેમની સામે વિજિલન્સ તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ નેતા મલયિનકીઝ વેણુગોપાલની ફરિયાદના આધારે સરકારે બે દિવસ પહેલાં આ કેસ સંબંધિત ફાઈલો મગાવી હતી, ત્યારબાદ મોડી રાત્રે રાજ્યના ગૃહમંત્રી રમેશ ચેન્નિતલાએ સત્તાવાર રીતે વિજિલન્સ તપાસનો આદેશ જારી કર્યો હતો.
આ મામલો વર્ષ ૨૦૦૬નો છે, જ્યારે ૧૯૮૮ બેચના કેરળમ કેડરના આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમાર કેરળમના લોક નિર્માણ વિભાગ (PWD)માં સચિવ તરીકે ફરજ બજાવતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન કેરળમ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ એમ.સી. રોડ પ્રોજેક્ટ સાથે જોડાયેલી PATI-BEL કન્સોર્ટિયમના મલેશિયાઈ સિવિલ એન્જિનિયર લી સી બીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક એન્જિનિયરે તેમની સુસાઈડ નોટમાં જ્ઞાનેશ કુમારના નામનો ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે. આ કેસની મૂળ તપાસને બાહ્ય દબાણ લાવીને ખોરવી નાખવામાં આવી હોવાના આરોપો બાદ હવે ગૃહમંત્રીએ વિજિલન્સ ડાયરેક્ટરને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે.
નોંધનીય છે કે, વર્તમાન સમયમાં ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવતા જ્ઞાનેશ કુમાર અગાઉથી જ મતદાર યાદીઓ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે વિપક્ષોના નિશાના પર છે. આ ઉપરાંત અન્ય ચૂંટણી કમિશનરો વિકેશ જોશી અને સુખબીર સિંહ સંધૂ દ્વારા પણ મતદાર યાદીઓ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હોવાથી તેઓ વિવાદોમાં ઘેરાયેલા છે. તેવામાં ૨૦ વર્ષ જૂના આ કેસમાં તપાસના આદેશ છૂટતા તેમના રાજકીય અને વહીવટી ભવિષ્ય સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. કેરળમ સરકારે આ મામલે વહેલી તકે વિજિલન્સ રિપોર્ટ સોંપવા પણ સૂચના આપી દીધી છે.
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
