<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

યુદ્ધવિરામના ચીંથરા ઉડ્યા: લેબનોનમાં 24 કલાકમાં ઇઝરાયલના 50 પ્રચંડ હવાઈ હુમલા, મિસાઇલ વર્ષામાં સાત લોકોના કમકમાટીભર્યા મોત

શાંતિ સમજૂતી છતાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઇઝરાયલી વાયુસેનાનો કહેર: સરહદી ગામોમાં બુલડોઝર ફેરવી ધાર્મિક સંસ્થાઓના માળખા જમીનદોસ્ત કરાતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

બૈરુત: દક્ષિણ લેબનોનમાં શાંતિ સ્થાપવા માટે કરવામાં આવેલા યુદ્ધવિરામના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. શનિવારે ઇઝરાયલી વાયુસેનાએ છેલ્લા 24 કલાકમાં અંદાજે 50 થી વધુ હવાઈ હુમલા કરીને સમગ્ર વિસ્તારને ધ્રુજાવી દીધો હતો. આ ભીષણ બોમ્બમારો અને મિસાઇલ હુમલામાં અત્યાર સુધીમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. કાફર દજલ ગામમાં એક ચાલતી કારને નિશાન બનાવવામાં આવતા બે લોકોના મોત થયા હતા, જ્યારે લુવૈજેહમાં રહેણાંક મકાન પર થયેલા હુમલામાં ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે.

ઇઝરાયલી સેનાના પ્રવક્તાએ આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ હિઝબુલ્લાહના સૈન્ય માળખા અને આતંકવાદી સભ્યોને સફાયો કરી રહ્યા છે. આ દરમિયાન સરહદી ગામ યારુનમાં ઇઝરાયલી દળોએ બુલડોઝરનો ઉપયોગ કરીને એક કેથોલિક કોન્વેન્ટના ભાગોને તોડી પાડ્યા હતા. ઇઝરાયલનો દાવો છે કે હિઝબુલ્લાહ આ ધાર્મિક ઇમારતોનો ઉપયોગ રોકેટ હુમલા માટે કરી રહ્યું હતું, જોકે લેબનીઝ કેથોલિક ચર્ચે આ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. યુદ્ધવિરામનો સમયગાળો લંબાવવામાં આવ્યો હોવા છતાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર સતત જારી રહેતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

લેબનોનના નવ ગામોના રહેવાસીઓને ઇઝરાયલી સેનાએ તાત્કાલિક સ્થળાંતર કરવાની નવી ચેતવણી આપી છે, જે મોટા લશ્કરી ઓપરેશનના સંકેત આપે છે. વર્ષ 2006 થી બંધ પડેલી શાળાઓ અને ક્લિનિક્સ જેવી સંસ્થાઓ પણ આ લોહિયાળ જંગની ચપેટમાં આવી રહી છે. એક તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિની અપીલ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ દક્ષિણ લેબનોનની ધરતી પર સતત થઈ રહેલા ધડાકાઓ અને માનવ ખુવારી રોકાવાનું નામ નથી લઈ રહી. આગામી દિવસોમાં આ સંઘર્ષ વધુ ઉગ્ર બનવાની આશંકા સેવાઈ રહી છે.

(11:09 AM IST)