<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

લેબનોનમાં યુદ્ધવિરામ માત્ર કાગળ પર? શાંતિ કરાર વચ્ચે પણ ઇઝરાયલી હુમલામાં ૨૨ બાળકો સહિત ૩૮૦ના મોત

૧૭ એપ્રિલથી અમલી બનેલા યુદ્ધવિરામ છતાં લેબનોનની ધરતી રક્તરંજિત: ઇઝરાયલી સૈનિકો 'યલો લાઇન' ઓળંગી આક્રમક કાર્યવાહી કરી રહ્યા હોવાનો આરોપ; અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૨,૯૦૦ને પાર

બેરૂત:  લેબનોનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે થયેલો યુદ્ધવિરામ જાણે નિષ્ફળ સાબિત થઈ રહ્યો હોય તેમ દેખાય છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયે જારી કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, ૧૭ એપ્રિલથી સત્તાવાર રીતે યુદ્ધવિરામ અમલમાં આવ્યા બાદ પણ ઇઝરાયલી હુમલાઓમાં ૩૮૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડો દર્શાવે છે કે સીઝફાયર છતાં સરહદી વિસ્તારોમાં હિંસા અટકી નથી. મંત્રાલયના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ હુમલાઓમાં નિર્દોષ નાગરિકોને સૌથી વધુ ભોગ બનવું પડ્યું છે, જેમાં ૨૨ માસૂમ બાળકો અને ૩૯ મહિલાઓનો સમાવેશ થાય છે.

ઇઝરાયલી સૈન્યની આ કાર્યવાહી પાછળ અમેરિકા દ્વારા નિર્ધારિત યુદ્ધવિરામની શરતો જવાબદાર માનવામાં આવે છે. આ શરતો મુજબ, ઇઝરાયલને તેની સુરક્ષા માટે "નિકટવર્તી અથવા ચાલુ હુમલાઓ" સામે સ્વરક્ષણમાં કાર્યવાહી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ કાયદાકીય છટકબારીનો ઉપયોગ કરીને ઇઝરાયલી વાયુસેના સતત હવાઈ હુમલા કરી રહી છે. એટલું જ નહીં, ઇઝરાયલી સૈનિકો બંને દેશોની સરહદથી ૧૦ કિલોમીટર ઉત્તરમાં આવેલી 'યલો લાઇન' વિસ્તારમાં પણ સક્રિય હોવાના અહેવાલો છે, જેના કારણે લેબનોનમાં આક્રોશ ફેલાયો છે.

૨ માર્ચથી શરૂ થયેલા આ લોહિયાળ જંગમાં અત્યાર સુધીમાં કુલ ૨,૯૦૦ થી વધુ લોકોના મોત થયા છે. યુદ્ધવિરામ બાદ વિસ્થાપિત થયેલા લોકો પોતાના ઘરે પરત ફરવાની આશા રાખી રહ્યા હતા, પરંતુ સતત થઈ રહેલા બોમ્બમારાએ ફરી એકવાર ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા શાંતિની અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ જમીની હકીકત એ છે કે લેબનોનની સરહદો પર હજુ પણ તોપો ગુંજી રહી છે અને નિર્દોષોના લોહી વહી રહ્યા છે.

(6:12 PM IST)