<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

CBSEનો મોટો ‘યુ-ટર્ન’: પહેલા જે ખામીઓને અફવા ગણાવી: હવે તેને સ્વીકારીને IIT નિષ્ણાતોની મદદ લેવી પડી

ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં સુરક્ષાના ગાબડાં હોવાની કબૂલાત કરતા બોર્ડે સોશિયલ મીડિયા પર માફી જેવો સૂર આલપ્યો : 98 લાખ ઉત્તરવહીઓના ડિજિટલ મૂલ્યાંકન પર સર્જાયેલા વિવાદ બાદ હવે IIT કાનપુર અને મદ્રાસની ટીમ સિસ્ટમને હેક-પ્રૂફ બનાવવા મેદાનમાં ઉતરી

નવી દિલ્હી:  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ આખરે પોતાની જીદ છોડીને ઓન-સ્ક્રીન માર્કિંગ  સિસ્ટમમાં રહેલી ગંભીર ખામીઓનો સ્વીકાર કર્યો છે. જે બોર્ડ થોડા દિવસો પહેલા સુધી ડેટા લીક અને સુરક્ષામાં ભંગના અહેવાલોને માત્ર પાયાવિહોણી અફવા ગણાવીને ફગાવી દેતું હતું, તેણે હવે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે તેમના 'OnMark' પોર્ટલમાં ટેકનિકલ છીંડાં હતા. આ યુ-ટર્ન પાછળ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ભારે આક્રોશ તેમજ સોશિયલ મીડિયા પર એથિકલ હેકર્સ દ્વારા પૂરાવા સાથે કરવામાં આવેલી રજૂઆતો જવાબદાર માનવામાં આવે છે. બોર્ડની આ કબૂલાતે લાખો વિદ્યાર્થીઓના ભાવિ પર સવાલો ઉભા કરી દીધા છે.

આ મામલાની ગંભીરતા એટલી વધી ગઈ છે કે હવે CBSE એ આ સિસ્ટમને ફરીથી લોખંડી બનાવવા માટે દેશની પ્રીમિયર સંસ્થાઓનો સહારો લેવો પડ્યો છે. IIT કાનપુર અને IIT મદ્રાસના સાયબર સિક્યોરિટી નિષ્ણાતોની એક ખાસ ટીમને આ કામ સોંપવામાં આવ્યું છે. આ નિષ્ણાતો હાલ દિવસ-રાત એક કરીને પોર્ટલના પ્રોટોકોલ્સ તપાસી રહ્યા છે જેથી કરીને ભવિષ્યમાં કોઈપણ અનધિકૃત વ્યક્તિ ડેટા સાથે છેડછાડ ન કરી શકે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતે આ સમગ્ર રિપેરિંગ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે, કારણ કે આ વિવાદ માત્ર ટેકનિકલ ભૂલ નથી પણ દેશની સૌથી મોટી પરીક્ષા સંસ્થાની વિશ્વસનીયતા પર લાગેલો ડાઘ છે.

નોંધનીય છે કે આ વર્ષે પ્રથમ વખત ધોરણ 12ની અંદાજે 98 લાખ જેટલી ઉત્તરવહીઓનું ડિજિટલ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જોકે, પરિણામો બાદ લોગિનમાં સમસ્યા, ગુણ ગણતરીમાં વિસંગતતા અને ઉત્તરવહીઓમાં જોવા મળેલી ભૂલોએ વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મુકી દીધા હતા. વિવાદ વધતા બોર્ડે હવે એ તમામ જાગૃત નાગરિકો અને હેકર્સનો આભાર માન્યો છે જેમણે આ ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું. આગામી સમયમાં આ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ હાલ પૂરતું તો આ ટેકનિકલ થબરબડીએ શિક્ષણ જગતમાં મોટો ફફડાટ ફેલાવી દીધો છે.

(8:19 PM IST)