<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

CBSE નો મોટો નિર્ણય : હાલમાં નવી ત્રિભાષા નીતિ લાગુ નહિ કરાઈ : ધો-7, 8, 9 અને 10માં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને મોટી રાહત

આ નિર્ણયથી વિદ્યાર્થીઓને અભ્યાસના મધ્યમાં ભાષા બદલવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં અને તેમની તૈયારી પર પણ કોઈ અસર નહીં પડે: ધોરણ 10 સુધી જૂના ભાષા નિયમો જ રહેશે યથાવત

નવી દિલ્હી :સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ નવી શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળની ત્રિભાષા નીતિ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બોર્ડના આ નિર્ણયથી હાલમાં ધોરણ 7, 8, 9 અને 10માં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. CBSEના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિદ્યાર્થીઓ પર હાલ માટે નવી ત્રિભાષા નીતિ લાગુ કરવામાં આવશે નહીં. એટલે કે જે વિદ્યાર્થીઓ હાલમાં જૂના ભાષા કોમ્બિનેશન હેઠળ અભ્યાસ કરી રહ્યા છે તેઓ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા સુધી એ જ ભાષા વ્યવસ્થા સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને અભ્યાસના મધ્યમાં ભાષા બદલવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં અને તેમની તૈયારી પર પણ કોઈ અસર નહીં પડે.

CBSEના નિર્ણય મુજબ હાલમાં ધોરણ 7, 8 અને 9માં ભણતા વિદ્યાર્થીઓ માટે ભાષાની પસંદગીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે વિદ્યાર્થીઓએ અત્યાર સુધી બે વિદેશી ભાષાઓ અથવા અગાઉના નિયમો મુજબ ભાષાઓ પસંદ કરી છે તેઓ ધોરણ 10 સુધી તે જ વિષયો સાથે અભ્યાસ ચાલુ રાખી શકશે અને બોર્ડની પરીક્ષા પણ તે જ ભાષા કોમ્બિનેશન સાથે આપી શકશે. આ નિર્ણય ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે જેમણે અભ્યાસ શરૂ કરતી વખતે ઉપલબ્ધ નિયમો અનુસાર ભાષાની પસંદગી કરી હતી. જો અભ્યાસ વચ્ચે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા હોત તો વિદ્યાર્થીઓ અને શાળાઓ બંને માટે મુશ્કેલી ઊભી થઈ શકતી હતી. તેથી CBSEએ હાલના વિદ્યાર્થીઓને જૂની વ્યવસ્થા હેઠળ જ અભ્યાસ પૂર્ણ કરવાની મંજૂરી આપી છે.

નવી શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળનો ત્રિભાષા ફોર્મ્યુલા હવે માત્ર ધોરણ 6માં નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે જ અમલમાં આવશે. આ નીતિ અનુસાર વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓનો અભ્યાસ કરવો જરૂરી રહેશે. ત્યારબાદ જેમ-જેમ આ વિદ્યાર્થીઓ આગળના ધોરણોમાં જશે, તેમ તેઓ એ જ ભાષા કોમ્બિનેશન સાથે પોતાનો અભ્યાસ ચાલુ રાખશે. એટલે કે, નવી ભાષા નીતિ તબક્કાવાર અમલમાં આવશે અને હાલના ધોરણ 7થી 10ના વિદ્યાર્થીઓને તેની અસર નહીં થાય. 

(7:20 PM IST)