હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
CBSE નો મોટો છબરડો: ટ્રાયલ રનમાં ફેઈલ થયેલી OSM સિસ્ટમથી ધોરણ-૧૨ની ઉત્તરવહીઓ તપાસી : લાખો વિદ્યાર્થીઓનું પરિણામ બગડ્યું
જાન્યુઆરી ૨૦૨૬ના ટ્રાયલમાં જ ૩૬ ગંભીર ખામીઓ મળી હોવા છતાં બોર્ડે ચેતવણીઓને અવગણી ડિજિટલ માર્કિંગ થોપ્યું: ખોટા માર્ક્સ અને બ્લર ઉત્તરવહીઓના કારણે દેશભરમાં ભારે હોબાળો : કેન્દ્ર સરકારે તપાસ સમિતિની રચના કરી

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આ વર્ષે અમલમાં મૂકવામાં આવેલી ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમે દેશભરના લાખો ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાવી દીધું છે. ૧૩ મેના રોજ જાહેર થયેલા નબળા પરિણામો બાદ એવો સનસનાટીભર્યો ખુલાસો થયો છે કે, આ ડિજિટલ મૂલ્યાંકન પ્રણાલી તેના સત્તાવાર ટ્રાયલ રનમાં જ સદંતર નિષ્ફળ ગઈ હતી. જાન્યુઆરી ૨૦૨૬માં દિલ્હીની પાંચ પ્રખ્યાત શાળાઓમાં યોજાયેલા ત્રણ દિવસના ટ્રાયલ દરમિયાન જ એક્સપર્ટ્સ અને શિક્ષકોએ બોર્ડને આ સિસ્ટમ ન વાપરવા ચેતવણી આપી હતી. આમ છતાં, ગત વર્ષે જૂન ૨૦૨૫ની ગવર્નિંગ બોડી મીટિંગમાં સભ્યો દ્વારા અપાયેલી પાયલોટ પ્રોજેક્ટની સલાહ અને તમામ ટેકનિકલ ખામીઓને નજરઅંદાજ કરીને બોર્ડે આ ખામીયુક્ત સિસ્ટમ બળજબરીથી લાગુ કરી દીધી હતી.
આઇટી અને શિક્ષણ નિષ્ણાતોના સત્તાવાર અહેવાલ મુજબ, ટ્રાયલ રન દરમિયાન જ ઓટોસેવ ફીચર બંધ થઈ જવું, અનડુ (Undo) બટન દબાવતા જ આખી સ્ક્રીન હેંગ થઈ જવી અને મૂલ્યાંકન ઇન્ટરફેસમાં આપેલા માર્ક્સ ગાયબ થઈ જવા જેવી ૩૬ જેટલી ગંભીર ટેકનિકલ ક્ષતિઓ નોંધાઈ હતી. સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે, ૧ માર્કના MCQ પ્રશ્નોમાં આ સિસ્ટમ આપોઆપ ૦.૫ માર્ક્સ આપી દેતી હતી, જે સત્તાવાર માર્કિંગ સ્કીમની વિરુદ્ધ હતું. એટલું જ નહીં, સિસ્ટમની ખામીને કારણે એડિશનલ ચીફ એક્ઝામિનર દ્વારા વધારવામાં આવેલા માર્ક્સ સોફ્ટવેરમાં પ્લસ થવાને બદલે માઈનસ થઈ જતા હતા અને પરીક્ષકો ખાલી પેજ પર પણ માર્ક્સ એન્ટર કરી શકતા હતા. આ તમામ ટેકનિકલ ગ્લિચ ત્રણ દિવસના અંત સુધી પણ સુધારી શકાઈ નહોતી.
આ સદંતર નિષ્ફળ સિસ્ટમથી પરિણામો તૈયાર થતાં જ દેશભરમાંથી વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે બોર્ડ દ્વારા ઓનલાઈન મોકલવામાં આવેલી સ્કેન કરેલી ઉત્તરવહીઓ અત્યંત ઝાંખી (બ્લર) હતી, જેના કારણે શિક્ષકો સાચા જવાબો પણ ઉકેલી શક્યા નથી. એક સરખા જવાબો લખ્યા હોવા છતાં અલગ-અલગ વિદ્યાર્થીઓને જુદા-જુદા માર્ક્સ આપી દેવાયા છે અને ઘણા પ્રશ્નો તો તપાસવાના જ રહી ગયા છે. લાખો પરિવારોના આક્રોશ અને ભવિષ્ય પર લાગેલા પ્રશ્નાર્થ ચિહ્નને ધ્યાનમાં રાખીને આખરે કેન્દ્ર સરકારે આ સમગ્ર કૌભાંડ અને બેદરકારીની તપાસ કરવા માટે હાઈ-લેવલની એક સભ્યની વિશેષ સમિતિની રચના કરી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
