તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
CBSE ની નવી ભાષા નીતિ પર સુપ્રીમ કોર્ટની નજર: ધોરણ 9 માં ત્રણ ભાષાઓ ફરજિયાત કરવાના નિર્ણયને પડકારતી અરજી પર નોટિસ જાહેર
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના અમલીકરણ સામે ઉઠ્યા સવાલ: કેન્દ્ર, CBSE અને NCERT ને બે અઠવાડિયામાં જવાબ આપવા આદેશ; વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર હવે કોર્ટના આગામી નિર્ણય પર

નવી દિલ્હી : CBSE દ્વારા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓનો અભ્યાસ ફરજિયાત બનાવતી નવી નીતિ હવે કાયદાકીય વિવાદમાં ઘેરાઈ છે. સુપ્રીમ કોર્ટે આ નીતિને પડકારતી એક મહત્વપૂર્ણ અરજીની સુનાવણી માટે સંમતિ દર્શાવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી તથા વિપુલ એમ પંચોલીની બેન્ચે કેન્દ્ર સરકાર, CBSE અને NCERT ને નોટિસ ફટકારીને આગામી બે અઠવાડિયામાં વિગતવાર જવાબ રજૂ કરવા તાકીદ કરી છે. આ મામલો શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
શું છે વિવાદિત નીતિ?
CBSE દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા પરિપત્ર મુજબ, 1 જુલાઈથી ધોરણ 9 ના તમામ વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓનો અભ્યાસ અનિવાર્ય કરવામાં આવ્યો છે. આ ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ મૂળ ભારતીય હોવી ફરજિયાત છે. બોર્ડનું કહેવું છે કે આ નિર્ણય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF-SE) 2023 સાથે અભ્યાસક્રમને સુસંગત બનાવવા માટે લેવામાં આવ્યો છે. આ નીતિનો હેતુ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવાનો હોવાનું બોર્ડનું માનવું છે.
અરજદારોની આશંકાઓ અને કોર્ટની કાર્યવાહી
આ નીતિને પડકારતી અરજીમાં શિક્ષણના ભાર અને વિદ્યાર્થીઓ પર પડનારી માનસિક અસરને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારોનું માનવું છે કે અચાનક અમલી બનેલી આ નવી વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ભારે દબાણ વધશે. હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને શિક્ષણ વિભાગની આ મામલે સ્પષ્ટતા માંગી છે. દેશની સર્વોચ્ચ અદાલતનું આ વલણ શિક્ષણ ક્ષેત્રે લેવાતા મોટા નિર્ણયોની પારદર્શિતા અને તેની વ્યાપક અસરને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે જ્યારે સમગ્ર મામલો કોર્ટના દ્વારે છે, ત્યારે શિક્ષણ વિભાગ કેવો પક્ષ રજૂ કરે છે તેના પર લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નિર્ભર છે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
