તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
સીબીઆઈનું મેગા ઓપરેશન: ૨૨ રાજ્યોમાં ૧૪૨ સ્થળો પર દરોડા, ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં ૧૭ ઝડપાયા
ગુજરાતના નાગરિકને ૩ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખી ૧૧.૪૨ કરોડ રૂપિયા પડાવનાર ઠગ ગેંગનો પર્દાફાશ

નવી દિલ્હી : દેશભરમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ અને ‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે કરોડો રૂપિયાની ઠગાઈ આચરતી ગેંગ સામે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ લાલ આંખ કરી છે અને 'ઓપરેશન ચક્ર-VI' અંતર્ગત ગુજરાત સાથે જોડાયેલા રૂ. ૧૧.૪૨ કરોડના ડિજિટલ અરેસ્ટ કેસમાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.
સીબીઆઈ દ્વારા પકડાયેલા આરોપીઓની ઓળખ હિમાંશુ પ્રસાદ અને યુનિસ બિસ્વાસ તરીકે થઈ છે, જેમણે સાયબર ઠગાઈ સિન્ડિકેટ દ્વારા પીડિત પાસેથી પડાવવામાં આવેલી રૂ. ૧૧.૪૨ કરોડની રકમમાંથી રૂ. ૨.૫ કરોડથી વધુ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવીને નાણાકીય પુરાવા છુપાવવાનું કામ કર્યું હતું. આ કેસની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે સાયબર ઠગોએ ગુજરાતના એક પીડિત નાગરિકને કાયદાકીય કાર્યવાહી અને પોલીસ ગિરફ્તારીનો ડર બતાવીને પૂરા ૩ મહિના સુધી સતત વિડિયો કોલ દ્વારા ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખીને તબક્કાવાર આ કરોડો રૂપિયા પડાવી લીધા હતા.
ડિજિટલ અરેસ્ટના આ ખતરનાક નેટવર્કને મૂળમાંથી ઉખેડી ફેંકવા માટે સીબીઆઈએ દેશવ્યાપી ઝુંબેશ ચલાવી છે, જેના ભાગરૂપે છેલ્લા ૩૦ દિવસમાં ૨૨ રાજ્યોમાં ૧૪૨ જેટલા સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરીને અત્યાર સુધીમાં કુલ ૧૭ કુખ્યાત આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. દરોડા દરમિયાન એજન્સીએ અનેક વાંધાજનક ડિજિટલ ડિવાઈસ અને બેંકિંગ દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
સીબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સરકારી કે પોલીસ એજન્સી ક્યારેય ફોન કે વિડિયો કોલ પર 'ડિજિટલ અરેસ્ટ' કરતી નથી, અને નાગરિકોને આવી કોઈ પણ શંકાસ્પદ ઘટના સામે આવે ત્યારે તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
