<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

CBIની દેશવ્યાપી મોટી કાર્યવાહી: 30 દિવસમાં 22 રાજ્યોમાં 142 સ્થળોએ સર્ચ ઓપરેશન :17 જેટલા આરોપીની ધરપકડ

દેશભરમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ અને ડિજિટલ અરેસ્ટના નામે થતી કરોડો રૂપિયાની ઠગાઈ સામે કેન્દ્રીય તપાસ એજન્સીએ લાલ આંખ કરી

નવી દિલ્હી : દેશભરમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ અને ‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે થતી કરોડો રૂપિયાની ઠગાઈ સામે કેન્દ્રીય તપાસ એજન્સીએ લાલ આંખ કરી છે. ‘ઓપરેશન ચક્ર-VI’હેઠળ સઘન કાર્યવાહી કરતા CBIએ ગુજરાત સાથે જોડાયેલા ₹11.42 કરોડના ડિજિટલ અરેસ્ટ કેસમાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે 

CBI દ્વારા ઝડપાયેલા આરોપીઓની ઓળખ હિમાંશુ પ્રસાદ અને યુનિસ બિસ્વાસ તરીકે થઈ છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે સાયબર ઠગાઈ સિન્ડિકેટ દ્વારા પીડિત પાસેથી પડાવવામાં આવેલી રૂ. 11.42 કરોડની રકમમાંથી રૂ. 2.5 કરોડથી વધુ રકમ આ આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. બંને આરોપીઓ ઠગાઈની રકમ મેળવી તેને અન્ય બેંક ખાતાઓમાં મોકલી નાણાકીય પુરાવા છુપાવવાનું કામ કરતા હતા.

આ કેસની ચોંકાવનારી વિગત એ છે કે સાયબર ગુનેગારોએ ગુજરાતના પીડિત નાગરિકને કાયદાકીય કાર્યવાહી અને પોલીસ ગિરફ્તારીનો ડર બતાવીને લગભગ 3 મહિના સુધી ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખ્યો હતો. બનાવટી પોલીસ અને તપાસ અધિકારી બનીને ઠગોએ સતત વિડિયો કોલ મારફતે નજર હેઠળ રાખી પીડિત પાસેથી તબક્કાવાર 11.42 કરોડ પડાવી લીધા હતા. દરોડા દરમિયાન CBIએ અનેક વાંધાજનક ડિજિટલ ડિવાઇસ અને બેંકિંગ દસ્તાવેજો જપ્ત કર્યા છે.

ડિજિટલ અરેસ્ટના નેટવર્કને મૂળમાંથી ઉખેડી ફેંકવા CBI એ દેશવ્યાપી ઝુંબેશ ચલાવી છે. છેલ્લા 30 દિવસમાં એજન્સીએ 22 રાજ્યોમાં 142 જેટલા સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરીને અત્યાર સુધીમાં કુલ 17 આરોપીઓની ધરપકડ કરી છે. CBI એ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ સરકારી એજન્સી ફોન કે વિડિયો કોલ પર 'ડિજિટલ અરેસ્ટ' કરતી નથી. નાગરિકોને આવી કોઈ પણ શંકાસ્પદ કૉલ આવે તો તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

(5:44 PM IST)