News of Saturday, 17th October 2026
અંકિતા ભંડારી હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી: પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડના હરિદ્વાર નિવાસસ્થાને દરોડા!
વીઆઈપી કનેક્શન અને વાયરલ ઓડિયોના આધારે તપાસ તેજ: દેહરાદૂનના શિવાલિક ગેસ્ટ હાઉસમાં પૂર્વ ભાજપ ધારાસભ્યની તીખી પૂછપરછથી ઉત્તરાખંડના રાજકારણમાં ખળભળાટ

હરિદ્વાર: ઉત્તરાખંડના બહુચર્ચિત અને સંવેદનશીલ અંકિતા ભંડારી હત્યા કેસમાં CBIએ સપાટો બોલાવતા પોતાની તપાસ અત્યંત આક્રમક બનાવી દીધી છે. CBI ની એક વિશેષ ટીમે ઉત્તરાખંડના જ્વાલાપુરના પૂર્વ ભાજપ ધારાસભ્ય સુરેશ રાઠોડના હરિદ્વાર સ્થિત નિવાસસ્થાન પર દરોડા પાડ્યા છે. આ સિવાય, CBI અધિકારીઓએ પૂર્વ ધારાસભ્યને કસ્ટડીમાં લઈ દેહરાદૂનના શિવાલિક ગેસ્ટ હાઉસ ખાતે તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે. અચાનક હાથ ધરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી ઉત્તરાખંડના રાજકીય ગલિયારામાં ભારે ગરમાવો આવી ગયો છે અને ઘણા મોટા નેતાઓ પર તપાસની તલવાર લટકવા લાગી છે.
મળતી માહિતી મુજબ, તાજેતરમાં સામે આવેલા નવા તથ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કથિત ઓડિયો ક્લિપના આધારે સીબીઆઈએ આ આકરું કદમ ઉઠાવ્યું છે. અભિનેત્રી ઉર્મિલા સનાવરનો એક વીડિયો સામે આવ્યા બાદ સુરેશ રાઠોડની એક કથિત ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થઈ હતી, જેમાં હાઇ-પ્રોફાઇલ 'VIP કનેક્શન' અંગે ચર્ચાઓ અને એક વરિષ્ઠ રાજકારણીની સંડોવણીના સંકેતો મળ્યા હતા. આ મામલાની સત્યતા પરથી પરદો ઉઠાવવા માટે CBI ની ટીમ હવે આ ઓડિયો કનેક્શન અને વીઆઈપી લોકોની ભૂમિકા અંગે ધારાસભ્ય પાસે કડક પૂછપરછ કરી રહી છે.
બીજી તરફ, અંકિતાના પિતા વીરેન્દ્ર ભંડારી અને માતા સોની દેવીએ દિલ્હીના ઇન્ડિયા ગેટ પર ન્યાયની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું, જ્યાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના વિપક્ષી નેતાઓ તેમને સમર્થન આપવા પહોંચ્યા હતા. શુક્રવારે અંકિતાના માતા-પિતાએ એક સાંસદ સાથે નવી દિલ્હી સ્થિત CBI મુખ્યાલય પહોંચી વરિષ્ઠ અધિકારીઓને મળી ઝડપી અને નિષ્પક્ષ તપાસ માટે મેમોરેન્ડમ સોંપ્યું હતું. CBI અધિકારીઓએ પરિવારને ખાતરી આપી છે કે કેસના તમામ પાસાઓની તટસ્થતાથી તપાસ કરવામાં આવશે અને કોઈ પણ દોષિતને બક્ષવામાં આવશે નહીં.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
