<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

‘લા પિનોઝ’ લાંચ કેસમાં ભ્રષ્ટાચારી IRS દંપતી સામે CBIનો ગાળિયો : 4.6 કરોડની અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ

750 આઉટલેટ્સ ધરાવતી પિઝા ચેઈનના માલિકને ધમકાવી 45 લાખની લાંચ માંગનાર અમિત સિંઘલ અને તેની પત્ની અનુપમા સિંઘલાની મુશ્કેલી વધી : કાયદેસરની આવક કરતા 139% વધુ સંપત્તિ મળી

નવી દિલ્હી:   લા પિનોઝ પિઝા ફ્રેન્ચાઈઝી વિવાદમાં ગત વર્ષે 25 લાખની લાંચ લેતા ઝડપાયેલા સિનિયર ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS) અધિકારી અમિત કુમાર સિંઘલ અને તેમની પત્ની અનુપમા સિંઘલા સામે CBIએ અપ્રમાણસર મિલકતનો નવો ગુનો દાખલ કર્યો છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ દંપતીએ તેમની જાણીતી આવકના સ્ત્રોત કરતા રૂ. 4,57,39,557 (આશરે 4.6 કરોડ) ની વધુ સંપત્તિ એકત્ર કરી છે, જે તેમની કાયદેસરની કમાણી કરતા 139.15 ટકા વધુ છે.

  દંપતી સામે CBIની મોટી કાર્યવાહી  

સીબીઆઈ એન્ટી કરપ્શન બ્યુરોએ મુંબઈમાં આ કેસ નોંધ્યો છે. મુખ્ય આરોપી અમિત કુમાર સિંઘલ (2007 બેચના IRS) નવી દિલ્હીમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સ સર્વિસીસમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા. જ્યારે તેમની પત્ની અનુપમા સિંઘલા આવકવેરા કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ગુનો એપ્રિલ 2018 થી મે 2025 દરમિયાન આચરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

  પિઝા ફ્રેન્ચાઈઝી વિવાદ અને લાંચની જાળ  

આ સમગ્ર કેસની શરૂઆત લા પિનોઝ પિઝાના માલિક સનમ કપૂર અને અમિત સિંઘલ વચ્ચેના ધંધાકીય સંબંધો બગડ્યા બાદ થઈ હતી. સિંઘલ પોતાની માતાના નામે ‘પાર્કર ઈમ્પેક્સ’ નામની ફર્મ દ્વારા પિઝા બિઝનેસમાં ભાગીદાર હતા. સંબંધો વણસતા સનમ કપૂરે તમામ કરારો રદ કર્યા હતા. તેનો બદલો લેવા સિંઘલે સનમ કપૂરને આવકવેરાની નોટિસ અપાવી હતી અને મામલો થાળે પાડવા 45 લાખની લાંચ માંગી હતી. સીબીઆઈએ છટકું ગોઠવીને સિંઘલના સાથીદાર હર્ષ કોટકને મોહાલીથી 25 લાખની રોકડ સાથે અને સિંઘલને દિલ્હીથી ઝડપી લીધા હતા.

  તપાસમાં મળ્યો અઢળક ખજાનો  

સીબીઆઈએ અગાઉ કરેલી તપાસ અને દરોડા દરમિયાન આ દંપતીના ઠેકાણેથી 3.5 કિલો સોનું, 2 કિલો ચાંદી (કિંમત આશરે 3.5 કરોડ), 1 કરોડ રોકડ અને અનેક બેંક ખાતાઓની વિગતો મળી આવી હતી. આ ઉપરાંત દિલ્હી, મુંબઈ અને પંજાબમાં સ્થાવર મિલકતોના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. હાલમાં આ અપ્રમાણસર મિલકત અંગે સીબીઆઈ મુંબઈના ડીએસપી સુધીર ધાન્ડા વધુ તપાસ ચલાવી રહ્યા છે. દંપતીએ જે રીતે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સંપત્તિ ભેગી કરી છે તેનાથી આવકવેરા અને કસ્ટમ્સ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

(11:25 AM IST)