<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

NEET પેપર લીક કાંડમાં CBIનો મોટો સપાટો: પ્રશ્નપત્ર સેટ કરનાર NTA ની ફિઝિક્સ એક્સપર્ટ પુણેથી ગિરફ્તાર, દેશભરમાંથી અત્યાર સુધી ૧૧ ઠગબાજો દબોચાયા!

એપ્રિલ મહિનામાં જ સહ-આરોપી મહિલા સાથે ફિઝિક્સના ઓરિજિનલ પ્રશ્નો શેર કર્યા હોવાનો પર્દાફાશ; દિલ્હી, જયપુર, નાસિક અને પુણે સહિત અનેક શહેરોમાં દરોડા પાડી સીબીઆઈએ કરોડોના નેટવર્કની કડીઓ જોડી

નવી દિલ્હી : મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે દેશની સૌથી મોટી પરીક્ષા ગણાતી NEET UG 2026 ના પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને એક બહુ મોટી અને ચોંકાવનારી સફળતા મળી છે. પરીક્ષાનું આયોજન કરતી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જેમને ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) નું પ્રશ્નપત્ર સેટ કરવા માટે 'વિષય નિષ્ણાત' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તે જ મહિલા શિક્ષકની સીબીઆઈએ ધરપકડ કરી લીધી છે. કાયદાના રક્ષકો અને શિક્ષણ જગતને શરમાવે તેવી આ ઘટનામાં NTA ની અંદર બેઠેલા જ લોકોએ પેપર લીક કરવાના આખા રેકેટને અંજામ આપ્યો હોવાનો પર્દાફાશ થતાં દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

CBI ના સત્તાવાર એજન્ટોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના પુણેમાં આવેલી 'શેઠ હીરાલાલ સરાફ પ્રશાલા' સ્કૂલના સ્ટાફ સભ્ય મનીષા સંજય હવાલદાર પર NEET પરીક્ષાના વાસ્તવિક ભૌતિકશાસ્ત્રના પ્રશ્નો પરીક્ષા પહેલા જ લીક કરવાનો ગંભીર આરોપ છે. NTA ની મુખ્ય પેપર-સેટિંગ પેનલમાં સામેલ હોવાના કારણે મનીષા હવાલદારને ગોપનીય પ્રશ્નપત્રો સુધી સીધી એક્સેસ (પહોંચ) મળી હતી, જેનો તેણે દુરુપયોગ કર્યો હતો.

સહ-આરોપી મહિલા સાથે એપ્રિલમાં જ થઈ ગઈ હતી 'ડીલ':

તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી મનીષા હવાલદારે પરીક્ષાના ઘણા સમય પહેલા, એપ્રિલ ૨૦૨૬ માં જ પોતાની સહ-આરોપી મનીષા માંધારે સાથે ભૌતિકશાસ્ત્રના અતિ ગુપ્ત પ્રશ્નો શેર કરી દીધા હતા. આ કડીના આધારે જ સીબીઆઈએ ગત ૧૬ મે ના રોજ મનીષા માંધારેની ધરપકડ કરી હતી અને તેની આકરી પૂછપરછમાં જ NTA ની આ સરકારી નિષ્ણાતનું નામ સામે આવ્યું હતું. તપાસકર્તાઓએ જ્યારે લીક થયેલા પ્રશ્નોની સરખામણી NEET UG 2026 ના ઓરિજિનલ પેપર સાથે કરી, ત્યારે બંને વચ્ચે ૧૦૦% સમાનતા મળી આવી હતી.

૯ શહેરોમાં દરોડા, કમ્પ્યુટર-મોબાઈલ જપ્ત અને ૧૧ આરોપી જેલભેગા

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળના ઉચ્ચ શિક્ષણ વિભાગની લેખિત ફરિયાદ બાદ ૧૨ મે, ૨૦૨૬ ના રોજ આ મામલે સત્તાવાર એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી. ત્યારબાદ સીબીઆઈએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવીને દેશભરમાં ઓપરેશન શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે, લાતુર અને અહિલ્યાનગર જેવા મોટા શહેરોમાંથી આ કૌભાંડમાં સામેલ કુલ ૧૧ હાઈ-પ્રોફાઈલ આરોપીઓને દબોચી લેવાયા છે.

સર્ચ ઓપરેશન દરમિયાન એજન્સીએ કરોડો રૂપિયાના બેંક સ્ટેટમેન્ટ, શંકાસ્પદ દસ્તાવેજો, લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેને ડિજિટલ પુરાવા માટે ફોરેન્સિક લેબ (FSL) માં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ, આટલા મજબૂત પુરાવા હોવા છતાં NTA ના વડાએ સંસદીય પેનલ સમક્ષ બેશરમીપૂર્વક આ આખી ઘટનાને 'પેપર લીક' માનવાનો ઇનકાર કર્યો છે, જેના કારણે સરકાર પર પણ હવે વિપક્ષ અને જનતાનો દબાવ વધી રહ્યો છે.

(10:25 PM IST)