તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ ત્વિષા શર્મા મૃત્યુ કેસની તપાસ સીબીઆઈ કરશે
પતિ સમર્થ સિંહ અને પૂર્વ જજ સાસુ ગિરિબાલા સિંહ સામે દહેજ ઉત્પીડનની એફઆઈઆર નોંધાઈ : ભોપાલમાં ૧૨ મેના રોજ પૂર્વ મોડલ અને અભિનેત્રી ત્વિષા શર્મા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી: મીડિયાને અને લોકોને સંયમ જાળવવા સુપ્રીમ કોર્ટની અપીલ : સોલિસિટર જનરલે જણાવ્યું કે માતા-પિતા માટે મૃત દીકરી કરતા છૂટાછેડા લીધેલી દીકરી વધુ સારી છે: તેના મેસેજ પરથી ખબર પડે છે કે તે નર્કમાં જીવી રહી હતી

ભોપાલ/નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ત્વિષા શર્મા મૃત્યુ કેસમાં ન્યાયતંત્ર દ્વારા આરોપીઓને બચાવવામાં આવી રહ્યા હોવાની ધારણા પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટના નિર્દેશ બાદ સીબીઆઈએ તપાસ પોતાના હાથમાં લીધી છે અને પતિ સમર્થ સિંહ તેમજ પૂર્વ જિલ્લા જજ સાસુ ગિરિબાલા સિંહ વિરુદ્ધ દહેજ હત્યા, ઉત્પીડન અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે.
સુપ્રીમ કોર્ટે ત્વિષા મૃત્યુ કેસમાં ન્યાયતંત્ર દ્વારા આરોપીઓને બચાવવામાં આવી રહ્યા હોવાની વાતો પર સોમવારે નિરાશા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે એ સાંભળીને દુઃખ થયું કે ન્યાયતંત્ર આરોપીઓને બચાવી રહ્યું છે. સર્વોચ્ચ અદાલતે સામાન્ય જનતાને અટકળોથી બચવા અને દેશની સૌથી મોટી તપાસ એજન્સી (સીબીઆઈ) પર ભરોસો રાખવા વિનંતી કરી છે.
સીબીઆઈએ આ મામલે બીએનએસની કલમ ૮૦(૨), ૮૫, અને ૩(૫) હેઠળ, તેમજ દહેજ પ્રતિબંધક કાયદાની કલમ ૩ અને ૪ હેઠળ એફઆઈઆર નોંધી છે. તપાસ એજન્સીની માહિતી મુજબ, ત્વિષાના લગ્ન ૯ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સમર્થ સિંહ સાથે થયા હતા. લગ્ન પછી તરત જ સાસરિયાઓ પર દહેજ માટે ઉત્પીડન કરવાનો આરોપ છે. ફરિયાદમાં જણાવાયું છે કે ત્વિષાને સતત માનસિક અને શારીરિક ત્રાસનો શિકાર બનવું પડ્યું હતું.
આ કેસમાં આરોપી તરીકે ગિરિબાલા સિંહ (સાસુ) અને સમર્થ સિંહ (પતિ) ના નામ સામે આવ્યા છે. એફઆઈઆર મુજબ, ૧૨ મે, ૨૦૨૬ ની રાત્રે લગભગ ૧૦:૨૦ વાગ્યે ત્વિષાના મૃત્યુની જાણ થઈ હતી. પોલીસ અને મેડિકલ તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાનું મૃત્યુ ફાંસો ખાવાથી થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 'એન્ટીમોર્ટમ હેંગિંગ' (પીડિતા જીવિત હતી ત્યારે ફાંસો લાગવો) ની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત શરીરના અન્ય ભાગો પર પણ ઈજાના નિશાન જોવા મળ્યા છે, જે કોઈ ભારે વસ્તુ કે શારીરિક હુમલાને કારણે થયા હોવાનું મનાય છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગ્ચીની પીઠે આ કેસની સુઓમોટો નોંધ લઈને સુનાવણી કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેણે આરોપોની માન્યતા પર કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી. કોર્ટે પીડિત પરિવાર અને મીડિયાને જાહેર નિવેદનબાજી કરવાના બદલે તપાસ એજન્સી સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા અને તપાસ પ્રભાવિત ન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે.
૧૨ મેના રોજ પૂર્વ મોડલ અને અભિનેત્રી ત્વિષા તેના સાસરે ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ત્વિષાના માતા-પિતાએ સાસરિયાઓ પર દહેજ માટે ત્રાસ આપવાનો અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે સાસરિયાઓએ દાવો કર્યો છે કે તેને નશાની લત હતી.
મધ્યપ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે એમ્સના ડોક્ટરોની ટીમે ત્વિષાના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કર્યું છે. સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે માતા-પિતા માટે મૃત દીકરી કરતા છૂટાછેડા લીધેલી દીકરી વધુ સારી છે, તેના મેસેજ પરથી ખબર પડે છે કે તે નર્કમાં જીવી રહી હતી. જસ્ટિસ બાગ્ચીએ નોંધ્યું હતું કે આ બધું માત્ર ૬ મહિનાના ટૂંકા ગાળામાં જ બની ગયું.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
