<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

NEET-UG 2026ના પેપર લીક મામલે CBIને વધુ એક મોટી સફળતા : પુણેની સ્કૂલના મહિલા શિક્ષિકા મનીષા સંજય હવાલ્દારની ધરપકડ

આરોપ છે કે તેમણે એપ્રિલ 2026 દરમિયાન ફિઝિક્સના પ્રશ્નો અન્ય સહ-આરોપી મનીષા મંધારે સાથે શેર કર્યા હતા

NEET-UG 2026ના પેપર લીક મામલે CBIને વધુ એક મોટી સફળતા મળી છે. શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ એક્શનમાં આવેલી સીબીઆઈએ તપાસનો દોર તેજ કરીને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે દેશભરમાં દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી છે, જેમાં કડીથી કડી જોડીને મુખ્ય આરોપીઓ સુધી પહોંચવામાં આવી રહ્યું છે.

તપાસ એજન્સી CBI દ્વારા આ કેસમાં પુણેની એક સ્કૂલમાં ફરજ બજાવતા મહિલા શિક્ષિકા મનીષા સંજય હવાલ્દારની ધરપકડ કરવામાં આવી છે, જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ફિઝિક્સ વિષયના નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમની પાસે પ્રશ્નપત્રોની સંપૂર્ણ ઍક્સેસ હતી. આરોપ છે કે તેમણે એપ્રિલ 2026 દરમિયાન ફિઝિક્સના પ્રશ્નો અન્ય સહ-આરોપી મનીષા મંધારે સાથે શેર કર્યા હતા, જેની સીબીઆઈએ ગત 16 મેના રોજ પહેલા જ ધરપકડ કરી લીધી છે અને તપાસમાં લીક થયેલા પ્રશ્નો અસલી પેપર સાથે મેચ પણ થયા છે. 

CBIએ આ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને લાતુર સહિતના અનેક શહેરોમાં દરોડા પાડીને અત્યાર સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ કરી છે, જેમાં લાખો રૂપિયા લઈને વિદ્યાર્થીઓને ખાસ કોચિંગ ક્લાસમાં પેપર ગોખાવનારા વચેટિયાઓ પણ સામેલ છે. દરોડા દરમિયાન જપ્ત કરાયેલા લેપટોપ, મોબાઈલ અને બેંક સ્ટેટમેન્ટના આધારે એજન્સી આ પેપર લીક રેકેટના તમામ ગુનાહિત કાવતરાખોરો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.

(11:05 PM IST)