તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
NEET પેપર લીક મામલે CBI એક્શન મોડમાં: દેશભરમાં વિવિધ સ્થળોએ દરોડા :5 મુખ્ય આરોપીઓની ધરપકડ
CBIએ મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાનમાં ઓપરેશન હાથ ધર્યું :દરોડા દરમિયાન નાસિક, જયપુર અને ગુરુગ્રામ જેવા શહેરોમાંથી કુલ 5 શખ્સોને ઝડપી લીધા

નવી દિલ્હી :દેશની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા NEET UG-2026માં થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીક મામલે CBI એક્શન મોડમાં આવી છે. તપાસના ભાગરૂપે CBIએ દેશભરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને આ કૌભાંડમાં સંડોવાયેલા 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
NEET UG-2026 પેપર લીક કાંડ મામલે CBIએ CBI દ્વારા દેશભરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવી રહ્યો છે. CBIએ મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાનમાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન નાસિક, જયપુર અને ગુરુગ્રામ જેવા શહેરોમાંથી કુલ 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. વિગતો મુજબ, વધુ 3 આરોપીઓની ધરપકડ જયપુરથી કરવામાં આવી છે, જ્યારે 1 આરોપી ગુરુગ્રામ અને 1 આરોપી નાસિકથી પકડાયો છે.
તપાસ એજન્સીએ માત્ર ધરપકડ જ નથી કરી, પરંતુ દેશભરમાં અનેક શંકાસ્પદ ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન CBIને મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા છે, જેમાં અનેક મોબાઈલ ફોન, લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અને પેપર લીક સાથે સંબંધિત વાંધાજનક દસ્તાવેજોનો સમાવેશ થાય છે. CBI દ્વારા હવે આ જપ્ત કરાયેલા ઉપકરણોનું ટેકનિકલ અને ફોરેન્સિક વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, જેથી આ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય.
નોંધનીય છે કે, આ મામલે દાખલ કરવામાં આવેલી FIRમાં ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને વિશ્વાસઘાત જેવી ગંભીર કલમો લગાવવામાં આવી છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સાથે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને પબ્લિક એક્ઝામિનેશન (અનફેર મીન્સ પ્રિવેન્શન) એક્ટ 2024 હેઠળ ગુનો નોંધાયો છે. હાલમાં CBI રાજસ્થાનની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સાથે સંકલન સાધીને કામ કરી રહી છે, જેણે આ મામલે પ્રાથમિક તપાસ કરી હતી. અન્ય ઘણા શંકાસ્પદોની પણ પૂછપરછ ચાલી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં વધુ ધરપકડ અને મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
