<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

કાવેરી જળસંગ્રામ: મેકેદાતુ ડેમ વિવાદ પર પીએમ મોદી અને સીએમ વિજય વચ્ચે દિલ્હીમાં ટક્કરના એંધાણ

'થલાપતિ' જોસેફ વિજયે કર્ણાટકના ભૂમિ પૂજનના પગલા સામે આકરો વિરોધ નોંધાવી તાત્કાલિક હસ્તક્ષેપ કરવા પત્ર લખ્યો

નવી દિલ્હી:  તમિલનાડુની સત્તા સંભાળતાની સાથે જ મુખ્યમંત્રી જોસેફ વિજયે કર્ણાટક સરકારના મેકેદાતુ ડેમ પ્રોજેક્ટ સામે કાનૂની અને રાજકીય મોરચો ખોલી દીધો છે. કર્ણાટક દ્વારા રામનગર જિલ્લાના કનકપુરા નજીક મેકેદાતુ ખાતે ડેમના બાંધકામ માટે ભૂમિ પૂજન અને શિલાન્યાસની તૈયારીઓ શરૂ કરાતા જ દક્ષિણ ભારતમાં જળયુદ્ધ ફરી ભભૂકી ઉઠ્યું છે. મુખ્યમંત્રી વિજયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક કડક પત્ર લખીને આ પ્રસ્તાવને કેન્દ્ર સ્તરેથી જ તાત્કાલિક નકારી કાઢવા અને કર્ણાટકને આગળ વધતું અટકાવવા મજબૂત વિનંતી કરી છે.

આ પત્ર માત્ર એક સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ સીએમ વિજયના દિલ્હી પ્રવાસ પહેલાની મોટી રાજકીય ચાલ માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુના સીએમ ટૂંક સમયમાં જ પીએમ મોદી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય સાથે રૂબરૂ મુલાકાત કરવા નવી દિલ્હી પહોંચવાના છે. આ હાઈ-પ્રોફાઈલ બેઠક પહેલાં જ 'થલાપતિ'એ ચેન્નાઈમાં કાવેરી જળ નિષ્ણાતો અને કાનૂની સલાહકારો સાથે એક તાકીદની બેઠક યોજીને કેન્દ્ર સામે રજૂઆત કરવાનો આખો એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે, જે દર્શાવે છે કે તેઓ પોતાના રાજ્યના ખેડૂતોના હક માટે આરપારની લડાઈ લડવા મૂડમાં છે.

દાયકાઓ જૂના કાવેરી જળ વિવાદમાં મેકેદાતુ ડેમ હંમેશાથી સૌથી સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. તમિલનાડુ સરકારનું સ્પષ્ટપણે માનવું છે કે જો કર્ણાટક આ ડેમનું નિર્માણ કરશે, તો સુપ્રીમ કોર્ટના ૨૦૧૮ના ઐતિહાસિક ચુકાદાનું સીધું ઉલ્લંઘન થશે અને તમિલનાડુના નીચલા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ગંભીર રીતે ખોરવાઈ જશે. બીજી તરફ કર્ણાટક આ પ્રોજેક્ટના ડીપીઆર  કેન્દ્રને સોંપવાની ઉતાવળમાં છે, જેને પગલે તમિલનાડુએ સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ વધુ તેજ કરવાની સમાંતર ચેતવણી પણ આપી દીધી છે.

(7:11 PM IST)